મહેસાણાઃ ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, તેવા સુત્રો સરકાર આપે છે. વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે તે માટે પ્રવેશોત્સવ પણ કરવામાં આવે છે. અધિકારી અને નેતાઓ વિદ્યાર્થીઓને શાળામાં મુકવા જતા હોય તેવા ફોટા પણ સોશિયલ મીડિયામાં આવે છે. પણ જે સરકાર શિક્ષણ પાછળ લાખોનો ખર્ચ કરે છે તે જ સરકાર શાળાના જર્જરિત બિલ્ડીંગો સુધારી નથી શક્તી...રાજ્યમાં આવી અનેક શાળાઓ છે જે બિસ્માર પડી છે...ત્યારે વધુ એક શાળા રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાંથી મળી આવી છે. કેવી છે આ શાળાની દશા?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો તુટેલી-ફુટેલી અને અસ્તવ્યસ્ત દેખાતી આ શાળા છે રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારિયા ગામની પ્રાથમિક શાળા...કન્યા અને કુમારશાળાનું કપાઉન્ડ ઘણું મોટું છે, શાળા પણ મોટી નજરે પડે છે. પણ જેટલા ઓરડા દેખાય છે તેમાંથી મોટા ભાગના બિસ્માર છે...એટલે કે શિક્ષણના કામ માટે લઈ શકાય તેમ નથી....જર્જરિત આ ઓરડા કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા છે. જેના કારણે ત્યાં કોર્ડન કરીને સુચના બોર્ડ લગાવવામાં આવ્યા છે. 


આ શાળાએ એવા અનેક વિદ્યાર્થીઓ આપ્યા છે જેણે સમાજ જીવનમાં કંઈ કાંઠુ કાઢ્યું છે. જર્જરિત બનેલી આ કન્યા શાળામાં 14 ક્લાસરૂમ છે. પરંતુ તેમાંથી 8 રૂમ ડેમેજ થઈ ગયેલા છે. માત્ર 6 ઓરડા જ વાપરવા લાયક બચ્યા છે. અને આ બચેલા ઓરડામાં 333 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે અને ઓરડા ઓછા હોવાથી બે પાલીમાં શાળા ચાલે છે. સવારે ધોરણ એકથી 5 અને બપોરે ધોરણ 6થી આઠના ક્લાસ ચાલે છે. જર્જરિત શાળા મામલે શાળાના આચાર્યએ જણાવ્યું કે ઓરડા માટે મંજૂરી માંગી છે, જ્યારે મળશે ત્યારે નવું નિર્માણ કરાશે. 


કેવી છે કન્યા શાળાની સ્થિતિ? 
જર્જરિત બનેલી શાળામાં 14 ક્લાસરૂમ 
14માંથી 8 રૂમ ડેમેજ થઈ ગયેલા છે
6 ઓરડા જ વાપરવા લાયક બચ્યા
333 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે
ઓરડા ઓછા હોવાથી બે પાલીમાં શાળા ચાલે છે
સવારે ધોરણ 1થી 5, બપોરે ધોરણ 6થી 8ના ક્લાસ ચાલે છે


હવે વાત કુમાર શાળાની કરીએ તો ત્યાં પણ સ્થિતિ વિકટ છે. અહીં સિમેન્ટના પતરાવાળા 16 ઓરડા છે જેમાંથી 11 ઓરડા વાપરવા લાયક નથી. બાકીના પાંચ ઓરડામાં 195 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અહીં પણ બે પાળીમાં અભ્યાસ થાય છે. 1973માં બનેલી પતરાવાળી આ શાળામાં ઓરડાની વારંવાર માગણી છતાં સરકાર કે તંત્ર ઓરડા બનાવી આપતું નથી. 


કેવી છે કુમાર શાળાની સ્થિતિ? 
સિમેન્ટના પતરાવાળા 16 ઓરડા 
16માંથી 11 ઓરડા વાપરવા લાયક
5 ઓરડામાં 195 વિદ્યાર્થી અભ્યાસ કરે છે
2 પાળીમાં અભ્યાસ થાય છે


તો બિસ્માર શાળાની સ્થિતિ પર જ્યારે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે જવાબ આપ્યો કે ઓરડાની માગણી સરકારમાં કરવામાં આવી છે. 


શાળાની આ સ્થિતિ માટે ગામ લોકોએ પણ જ્યાં રજૂઆત કરવાની જરૂર પડી ત્યાં કરી છે. પરંતુ ન સરકાર સાંભળે છે, નતો સરકારી તંત્ર સાંભળે છે. ત્યારે જે દેશનું ભવિષ્ય કહેવામાં આવે છે તે ભૂલકાનું ભવિષ્ય અંધકાર બને તે પહેલા શાળાની સ્થિતિ ક્યારે સુધરે છે તે જોવું રહ્યું.