ગાંધીનગરઃ રાજ્યભરમાં આગામી સમયમાં માર્ચ-૨૦૨૨માં યોજાનાર SSC અને HSC બોર્ડની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે તેમ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે પરીક્ષા અંગેની સમીક્ષા બેઠકમાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રી વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. 


મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર S.O.P.-માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તણાવમુક્ત રીતે ડર વિના પરીક્ષા આપે તે ખૂબ જરૂરી છે. રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર શાંતિથી પરીક્ષા યોજાય તે માટે CCTV  કેમેરા, પોલીસ બંદોબસ્ત સહિત પૂરતી વ્યવસ્થા કરાઇ છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા, પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ રાજ્યની 6 સિવિલ હોસ્પિટલમાં 25 ટકા તબીબી અધ્યાપકોની ઘટ, 500 તબીબોની જગ્યા ખાલી


પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક હાથે કામ લઇને આ પ્રકારની ઘટનાની તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવાની રહેશે. ગેરરીતિ અટકાવવા તમામ ૧૬૨૫ પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ છે તેમ જણાવી વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તણાવમુ્ક્ત રાખવા પોલીસ દ્વારા અમલી ‘‘જીવન આસ્થા હેલ્પલાઇન’’નો વ્યાપ વધારવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. 


મંત્રીએ કહ્યુ હતું કે, કોરોના બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચિંતા ઓછી કરવા બોર્ડ દ્વારા ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. રાજ્યના આંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા  આવતા વિદ્યાર્થીઓ માટે સમયસર બસ મળી રહે તેવી વ્યવસ્થા અને જરૂર પડે તો જિલ્લા વહીવટીતંત્ર અથવા સબંધિત અધિકારી દ્વારા વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવાની વ્યવસ્થા કરવા પણ મંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.  


મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. ૨૮ માર્ચથી રાજ્યભરમાં શરૂ થનાર ધોરણ ૧૦ની પરીક્ષામાં કુલ ૯૫૮ કેન્દ્રો પર ૯,૬૪,૫૨૯ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧૪૦ કેન્દ્રો પર ૧,૦૮,૦૬૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા.૨૮ માર્ચથી શરૂ થનાર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫૨૭ કેન્દ્રો પર ૪,૨૫,૮૩૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે. આમ રાજ્યમાં કુલ ૧૪,૯૮,૪૩૦ પરીક્ષાર્થીઓ કોરોના બાદ પ્રથમ વાર ક્લાસરૂમમાં બોર્ડની પરીક્ષા આપશે. 


આ પણ વાંચોઃ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવતી પોરબંદર-છાંયા નગરપાલિકામાં જ ફાયર એનઓસી નથી


આ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સંપૂર્ણ મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં  પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય સરકારે જરૂરી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે તેમ જણાવી મંત્રીએ રાજ્ય સરકાર વતી લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી હતી.  


પરીક્ષાની સમીક્ષા અંગે યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, શિક્ષણ  બોર્ડના ચેરમેન એ.જે.શાહ, ગુજરાત પોલીસના એડિશનલ ડીજી નરસિમ્હા કોમર તેમજ જિલ્લા કલેક્ટરઓ, જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી વિગતો આપી પરામર્શ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube