ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત ભાજપમાં જૂથવાદ હવે ચરમસીમાએ છે. દરેકને સત્તા અને પદ જોઈએ છે. છેલ્લા કેટલાક દિવસોથી એકબીજાના ગણિતો સેટ કરવામાં એક એજન્સીની ચાલી રહેલી કાર્યવાહીને પગલે ગુજરાતનું રાજકારણ ડહોળાયું છે. એવું કહેવાય છે કે  ૨ દિવસ પહેલાં ગુજરાતના એક ટોચના નેતાના સંબંધીની ત્યાં એક એજન્સીની રેડ  પાછળ એક મોટા કદના નેતાનો પરિવાર પ્રેમ જવાબદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી એટલી સરળ નહીં હોય!
ગુજરાતના રાજકારણમાં થઈ રહેલી ચર્ચાઓ અનુસાર ઉત્તર પ્રદેશના સીએમ યોગી સાથે બેઠકો અને વાયા દિલ્હી સુધી લોબિંગ બાદ દિલ્હી બેઠેલા એક મોટા નેતાએ સાફ સંદેશો પાઠવ્યો છે કે તમે ગુજરાત બહાર છો તો ત્યાં જ રાજકારણ કરો, સ્થાનિકમાં ચંચૂપાત છોડી દો...ગુજરાતના 2 કદાવર નેતાઓ વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં એજન્સીઓ સક્રિય કરાઈ છે અને ભાજપ સાથે નજીકનો ઘરોબો ધરાવતી અગ્રણી કંપનીઓ સામે કાર્યવાહી થઈ હોવાની ચર્ચાઓ છે. આ કાર્યવાહી એ સ્પષ્ટ દેખાડે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણી એ એટલી સરળ નહીં હોય. ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતવા માગે છે અને આ જવાબદારી પૂરી કરવા માટે ભૂપેન્દ્ર પટેલને આગળ કરાઈ રહ્યાં છે. 


ભાજપ ગુજરાતમાં ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગે છે
ગુજરાતમાં દાદાનું ઈમેજ મેકિંગ એ સાબિત કરે છે કે ભાજપ ગુજરાતમાં ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગે છે. વર્ષો સુધી કમલમનો પાવર ગાંધીનગર સીએમ હાઉસ પાસે હતો. હવે એજ હિસાબે ગુજરાતમાં ફરી સંગઠન પર સરકારનું વર્ચસ્વ વધારવાની કવાયતો આરંભાઈ છે. કોમળ અને મૃદુ સ્વભાવ વાળા દાદા હવે જનતા માટે તો સરળ અને સોબર વ્યક્તિત્વવાળા CM(કોમન મેન) છે પણ અધિકારીઓ સહિત ધારાસભ્યો અને મંત્રીઓ માટે સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ બનતા દેખાઈ રહ્યા છે.


3 બેઠક માટે ગુજરાતનું રાજકારણ ગરમાયું
ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ તેજ બની છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં એક જૂના નેતા પરિવારના મોહમાં ફરી એક્ટિવ થયા છે. સૌરાષ્ટ્રની જૂનાગઢ, ઉત્તર ગુજરાતની મહેસાણા અને અમદાવાદની પશ્વિમ બેઠક માટે જોર લગાવતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ટિકિટ મેળવવાનું લોબિંગ ઉત્તર પ્રદેશથી દિલ્હી સુધી થતાં દિલ્હીમાં જ બેઠેલા બીજા મોટા નેતાએ રાજનીતિક સંદેશો આપવા મુંબઈથી એજન્સીનો ઉપયોગ કર્યો હોવાની ચર્ચાઓ છે.  એજન્સીની એક ટીમની કાર્યવાહીનો રેલો એક નેતાના સંબંધીના ઘર સુધી પહોંચ્યો છે. જેમાં ભાજપ સાથે નજીકના સંબંધો ધરાવતા રસુખદારો ભરાયા છે. ગુજરાતમાં હાલમાં એક જ ચર્ચા છે કે  પોતાના જ મોટા નેતાના પરિવાર પર શા માટે કાર્યવાહી? પણ સૂત્રો મુજબ એક રાજભવનને રાજનીતિક સંદેશો આપવામાં આવ્યો કે ગુજરાતથી બહાર રહેવામાં ફાયદો રહેશે.


ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો
વાસ્તવિકતા એ પણ છે કે મોદીના દિલ્હી ગયા બાદ ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદ વધ્યો છે. જેનું નુકસાન પાર્ટીને ચૂંટણીમાં ન થાય તેની તકેદારી ખુદ પીએમ મોદી લેતા હોય છે. ૨૦૨૪ લોકસભા પહેલાં પણ ફરી એ જ દૃશ્યો સામે આવી રહ્યા છે અને સૂત્રો પણ સાફ કહી રહ્યા છે કે ગુજરાતમાં ૨૬ બેઠકોની જીતની હેટ્રીક લગાવવા દિલ્હી કોઈ કસર છોડવા માગતી નથી. રાજ્યમાં ૨૬માંથી ૨૪ થી ૨૩ નવા ચેહરા ૨૦૨૩ વિધાનસભાની જેમ ઉતારવામાં આવશે. જેથી કાર્યકર્તાઓ અને જનતામાં ઉમેદવાર પ્રત્યેની નારાજગી મતદાન વખતે મતપેટીમાં ફરી જોવા ના મળે. 


મોદીને ત્રીજી વાર પીએમ બનાવવા ગુજરાતથી જીતની હેટ્રીક અપાવશે
ગુજરાતમાં હાલ ભાજપના પ્રદેશ કક્ષાના કાર્યક્રમો સુરત પૂરતા સીમિત દેખાઈ રહ્યા છે એવામાં ૧૫૬ બેઠકો માઇક્રો પ્લાનિંગથી અપાવનાર પાટીલ હવે ૬ મહિના પહેલાં કેવી રીતે ફરી સંગઠન સાથે કાર્યકર્તાઓને એક કરી લોકસભામાં મોદીને ત્રીજી વાર પીએમ બનાવવા ગુજરાતથી જીતની હેટ્રીક અપાવશે એતો આગામી સમય બતાવશે પણ ગુજરાતના રાજકારણમાં હાલમાં થઈ રહેલી કાર્યવાહીએ ભારે ચર્ચા જગાવી છે.