હવે, અમદાવાદ એરપોર્ટ પર સંભળાશે સિંહની ત્રાડ, નિહાળી શકાશે ગીરનું જંગલ
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો હવે સાસણ ગીરની ઝલક નિહાળી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના હેતુસર એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં ડોમેસ્ટિક ટર્મિનલની બાજુમાં રેપ્લિકા : ધ ગીર નામે આખું આભાસી જંગલ ઉભું કરાયું છે. અહીં તમને સિંહની પ્રતિકૃતિની સાથોસાથ સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો હવે સાસણ ગીરની ઝલક નિહાળી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના હેતુસર એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં ડોમેસ્ટિક ટર્મિનલની બાજુમાં રેપ્લિકા : ધ ગીર નામે આખું આભાસી જંગલ ઉભું કરાયું છે. અહીં તમને સિંહની પ્રતિકૃતિની સાથોસાથ સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ખાતે ધ ગીરનું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટનાઅનાવરણ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલના કોર્પોર્ટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, અભિનેતા અને સાંસદ પરેશ રાવલ, એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર મનોજ ગંગલે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મનોજ ગંગલે કહ્યું કે, સિંગાપોર એરપોર્ટ પર આવેલી બટરફ્લાય પાર્કની પ્રતિકૃતિએ મને આ પ્રકારનો પ્રોજેક્ટ અમદાવાદમાં કરવામાં પ્રેરણા આપી હતી. જોકે જીવંત સિંહને અહીં લાવવા મુશ્કેલ હોવાથી અમે એરપોર્ટ પર ધ ગીરમાં સિંહની પ્રતિકૃતિઓ તૈયારી કરાવી આભાવી જંગલ ઉભું કર્યું છે.
પરેશ રાવલે કહ્યું કે, ભારતીય એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં પોતાના રાજ્યની ઓળખ અને ખાસિયતને પોતાના એરપોર્ટ પર પ્રદર્શિત કરવામાં આવી હોય એવું પહેલીવાર આટલી સરસ રીતે ગીર પ્રોજેક્ટ થકી શક્ય બન્યું છે. પરિમલ નથવાણીએ કહ્યું કે, આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે.
રેપ્લિકા : ધ ગીર
-અંદાજે 11,000 ચો.ફૂટ વિસ્તારમાં પ્રોજેક્ટ બનાવાયો છે.
-સાસણના જંગલમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પશુઓની પ્રતિકૃતિઓ ઉભી કરાઇ
-સિંહ ઉપરાંત અહીં ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર સહિત પ્રાણીઓની પ્રતિકૃતિઓ સાથે આભાસી જંગલ ઉભું કરાયું છે.
-ઇન્ટરએક્ટિવ મીડિયા ઉપકરણથી ગીરના જંગલમાં સાંભળવામાં આવી સિંહની ત્રાડ અને પક્ષીઓના અવાજથી જંગલ જેવો માહોલ તૈયાર કરાયો છે.