અમદાવાદ: સંજય લીલા ભણસાલીને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે હવે ગુજરાતમાં પણ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મનું જ્યારે શુટિંગ ચાલુ હતું ત્યારે દિગ્દર્શક સંજય લીલા ભણસાલી પર રાજપૂત કરણી સેનાએ હુમલો પણ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ  કરીને લખ્યું છે કે રાજપૂતોની લાગણીઓ દુભાવતી પદ્માવતી ફિલ્મને ગુજરાત સરકાર રાજ્યમાં રીલિઝ થવા દેશે નહીં. ઈતિહાસ સાથે ચેડા સહન થશે નહીં. તેમણે કહ્યું કે ફિલ્મને લગતા વિવાદો દૂર થયા બાદ તેની રીલિઝ અંગે વિચારણા કરવામાં આવશે. ફિલ્મના કારણે અનેક લોકોની વ્યક્તિગત લાગણીઓ ઘવાઈ છે અને ગૃહ વિભાગે તેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. કાયદો અને વ્યવસ્થા ન બગડે તે જોવાની અમારી જવાબદારી છે તેથી હાલ ફિલ્મ રીલિઝ નહીં થાય.


આમ હવે ગુજરાતમાં પણ પદ્માવતી ફિલ્મની રીલિઝ અટકી ગઈ છે. આ અગાઉ રાજસ્થાન અને મધ્ય પ્રદેશે પણ રીલિઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને પણ નથી. તે ભણશાલી હોય કે પછી બીજું કોઈક. મને લાગે છે કે જો ધમકી આપનારી વ્યક્તિ દોષી છે તો ભણશાલી પણ ઓછા દોષી નથી. તેઓને જનભાવનાઓ સાથે ચેડાં કરવાની ટેવ પડી ગઈ છે. કાર્યવાહી થશે તો બંને પક્ષો પર સમાન રીતે થશે.



આ બધા વચ્ચે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા તથા પ. બંગાળના સીએમ મમતા બેનરજીએ સંજય લીલા ભણશાલીની ફિલ્મનું સમર્થન કર્યું છે. ભણસાલીએ ફિલ્મને અલગ એન્ગલથી બતાવી હોવાનો આરોપ કરીને દેશભરના રાજપૂત સમાજ, કરણી સમાજે ફિલ્મનો વિરોધ કર્યો છ. ન માત્ર વિરોધ પણ, ફિલ્મ ડિરેક્ટર ભણસાલીનું માથુ કાપી નાખવાની અને દીપિકા પાદુકોણનુ નાક કાપી નાખવા જેવા વિવાદાસ્પદ નિવેદનો પણ ઉચ્ચાર્યા હતાં.