Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. દ્વારકા અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હાલ બંને જિલ્લામાંથી આઇવોલ પસાર થઈ રહી છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે. મધરાત સુધી લેન્ડફોલ શરૂ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ સિવાય દરિયાકાંઠાની નજીક રહેતા 95,000 થી વધુ લોકોને સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો સુપર સાયક્લોનનો ખતરો છે. આ 9 રાજ્યો લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન (પશ્ચિમ) છે.



ડો. મૃત્યુંજય મહાપાત્રાએ માહિતી આપતા વધુમાં જણાવ્યુ હતુ કે, કચ્છ, સૌરાષ્ટ્રમાં લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ છે. આગામી સમયમાં અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી છે. વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. વાવાઝોડું જે ઝડપે ચાલી રહ્યું છે તે હાલમાં 13થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. આખું વાવાઝોડું લેન્ડફોલ થતા મધરાત થશે.


આંખની દિવાલ પસાર થશે ત્યારે જે તે વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી શક્યાતા છે. આ ઉપરાંત આંખની આસપાસ હવાની ઝડપ 125થી 150 કિલોમીટર હશે. આંખ આવશે ત્યારે હવાની ઝડપ ઘટીને 5થી 10 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે અને ફરીથી જ્યારે આંખની દીવાલ પસાર થશે ત્યારે હવાની ઝડપ 125થી 150 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યાં સુધી હવામાન વિભાગ વાવાઝોડું સંપૂર્ણ પણે પસાર થઈ ગયું હોવાની જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બહાર નીકળવું નહીં.


ગુજરાતના મોરબી, જામનગર અને દ્વારકામાં વરસાદ સાથે પવનની ઝડપ વધી
સાયક્લોન બિપોરજોયની અસરથી મોરબીમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ થયો છે. હાલમાં, ચક્રવાત બિપોરજોયની લેન્ડફોલની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. દ્વારકા અને જામનગરથી ભારે વરસાદ અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે.


કચ્છના અનેક વિસ્તારોમાં વીજળી ડુલ, ભારે પવનને કારણે વૃક્ષો પડી ગયા
ગુજરાતના કચ્છમાં ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ શરૂ થયું છે. કચ્છમાં હાલ 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર છે. વધતા જોખમને જોતા ઘણા વિસ્તારોમાં વીજળી પણ કાપી નાખવામાં આવી છે.



ચક્રવાતની ધીમી ગતિને કારણે લેન્ડફોલની પ્રક્રિયામાં લાગી રહ્યો છે સમય 
ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ કચ્છના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે. હાલમાં 115 થી 125 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, લેન્ડફોલ સમયે 150 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતની ધીમી પ્રગતિને કારણે આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે.