Ahmedabad: બાળકોમાં મચ્છર અને પાણીજન્ય રોગની સમસ્યા વધી, સિવિલમાં છેલ્લા દોઢ મહિનામાં 5000થી વધુ બાળકોએ લીધી સારવાર
![Ahmedabad: બાળકોમાં મચ્છર અને પાણીજન્ય રોગની સમસ્યા વધી, સિવિલમાં છેલ્લા દોઢ મહિનામાં 5000થી વધુ બાળકોએ લીધી સારવાર Ahmedabad: બાળકોમાં મચ્છર અને પાણીજન્ય રોગની સમસ્યા વધી, સિવિલમાં છેલ્લા દોઢ મહિનામાં 5000થી વધુ બાળકોએ લીધી સારવાર](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/08/17/343883-ahmedabad-civil-hospital.jpg?itok=PJFL8vNv)
અમદાવાદ સિવિલમાં આવેલી OPD માં જુલાઈ મહિનામાં 2900 બાળકોએ સારવાર લીધી જેમાંથી 1,037 બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી. ચાલુ મહિનામાં 16 ઓગસ્ટ સુધીમાં 1900 જેટલા બાળકો OPD માં સારવાર માટે નોંધાયા, જેમાંથી 636 બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે.
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદ શહેર તથા ગુજરાતમાં હવે કોરોના કેસમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોવિડની સારવાર કરતી અનેક મોટી હોસ્પિટલોમાં હવે અન્ય બીમારીની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના બાદ હવે OPD માં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના OPD માં બાળકોની પણ લાઇનો જોવા મળી રહી છે.
શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગોની સંખ્યા વધી
અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે, પરંતુ વરસાદ ન થતાં ગરમીનો પણ અનુભવ થવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છર અને પાણી જગન્ય રોગોની સંખ્યા વધી રહી છે. જેથી હવે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની બાળકોની OPD માં 5 હજાર કરતા વધુ બાળકો સારવાર માટે આવ્યા છે.
અમદાવાદ સિવિલમાં આવેલી OPD માં જુલાઈ મહિનામાં 2900 બાળકોએ સારવાર લીધી જેમાંથી 1,037 બાળકોને દાખલ કરવાની ફરજ પડી હતી. ચાલુ મહિનામાં 16 ઓગસ્ટ સુધીમાં 1900 જેટલા બાળકો OPD માં સારવાર માટે નોંધાયા, જેમાંથી 636 બાળકોને દાખલ કરવાની ફરજ પડી છે. જુલાઈ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં બીમાર પડી રહેલા બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચોઃ આશરે 1.5 વર્ષ બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થશે પ્રત્યક્ષ સુનાવણી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અત્યારે પાણી અને મચ્છરજન્ય રોગોથી બાળકોને બચાવવાની જરૂર છે. ઘરમાં પાણીનો સંગ્રહ ના થાય, આપણે ચોખ્ખાઈ રાખીએ તે જરૂરી બન્યું છે. બાળકોને બિનજરૂરી બહાર મોકલવાનું ટાળવું જરૂરી છે, બાળકને પુરી સ્લીવના કપડાં પહેરાવવા જોઈએ. જે બાળકો છેલ્લા બે મહિનામાં બીમાર થયા છે એમનામાં સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ, ઉધરસ, ઝાડા-ઉલ્ટી, હિપેટાઇટિસ અને કમળાનું સમસ્યા જોવા મળી રહી છે.
જ્યારે બીમાર બાળકને પ્રવાહી નથી આપી શકાતું એવી સ્થિતિમાં તેમને દાખલ કરવાની ફરજ પડે છે. બાળકને સતત તાવ રહે, ઢીલું પડી જાય એવી સ્થિતિમાં એમને દાખલ કરીને સારવાર આપવી જરૂરી બને છે. ડોકટર રાકેશ જોશીએ કહ્યું કે હાલની સ્થિતિ જોતા તમામને વિનંતી કે બાળક એની સમસ્યા કહી શકતું નથી હોતું એવામાં ડોકટર કહે તો એમના પર વિશ્વાસ રાખી સારવાર લેવી જરૂરી છે. કોરોનાના લક્ષણો અને વાયરલના લક્ષણો મળતા આવે છે, કોરોનાના કેસો હાલ નહિવત છે, પરંતુ કોરોના હજુ ગયો નથી, તમામ વાલીઓએ હાલ ખાસ ચેતવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube