સુરત : જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવતા ચકચાર મચી છે. ચોંકાવનારી બાબત છે કે, ખુદ પેટ્રોકેમિકલમંત્રીની પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ જેટલા પ્રમાણમાં ભરાવાનું હતું એના કરતાં ઓછું આપ્યું હોવાનું સામે આવતાં તત્કાલ કલેક્ટરને જાણ કરાઇ હતી. ક્લેકટરે ટીમને યશ પેટ્રોલ પંપ પર મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિયારા કંપની દ્વારા નવો પેટ્રોલ પંપ શરૂ કરાયો હતો. આ પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકોએ છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ કરી હતી કે, તેમના દ્વારા પેટ્રોલ ઓછુ અપાય છે. ડિસ્પ્લેમાં જેટલું ડીઝલ-પેટ્રોલ ભર્યું હોય એ દેખાય છે, એના કરતા ઓછું ટેન્કમાં ભરાતું હોવાની ફરિયાદ થઇ હતી. પેટ્રો-કેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા.


મંત્રીએ પોતાની ગાડીની અંદર ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ઓછું ભરાવાની શંકા જતાં તેમણે પેટ્રોલ પંપના સંચાલકને બોલાવ્યા, તેમણે પેટ્રોલ પંપ પર જે સ્ટોક મેઇન્ટેન કરવાનું રજિસ્ટર હોય છે, એ તપાસવા માટે માગ્યું હતું. જેમાં આશ્ચર્યજનક બાબત સામે આવી હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ પણ પ્રકારના સ્ટોકની માહિતી લખવામાં આવી ન હતી. 


આ ગંભીર બેદરકારી માનવામાં આવે છે. તમામ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલના વેચાણ અને સ્ટોક અંગેની તમામ માહિતી ફરજિયાત પણે મેઇન્ટેન રાખવાની હોય છે. જેના પગલે મંત્રીએ કલેક્ટરને જાણ કરી હતી. સમગ્ર બાબતે ફરિયાદ કરતા કલેક્ટરની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 


કલેક્ટરે તાત્કાલિક અસરથી પુરવઠા વિભાગની અને તોલમાપ વિભાગની ટીમે ઘટનાસ્થળ પર મોકલીને તપાસ શરૂ કરતાં પેટ્રોલ પંપના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી. તત્કાલ અસરથી પંપને સીલ કરવામાં આવ્યો હતો. રાજ્યના તમામ પેટ્રોલ પંપના સંચાલકો સતર્ક થઈ જાય. ગ્રાહકો સાથે જરા પણ છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે.