ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૮ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.ર૦મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૮ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં ૯૮પર કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૦,૮પ૧ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે. રૂ. ૯૮પરના જે ૧૮ MoU થયા છે તે પૈકી રૂ. પ૭૩૩ કરોડના MoU વિદેશી રોકાણકારોની સહભાગીતાથી થયા છે. 


સુમુલ ડેરીની પશુપાલકોને ભેટ, દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો ભાવ વધારો


આ ઉ૫રાંત મેનકાઇન્ડ લાઇફસાયન્સ પ્રા. લિમિટેડ વડોદરા ખાતે રૂ. ૧૧૦૦ કરોડનું રોકાણ કરશે અને તેનાથી ૧૦૦૦ જેટલી સૂચિત રોજગારીનું સર્જન થશે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં થયેલા આ બહુવિધ MoU અંતર્ગત મેન્યૂફેકચરીંગ, કેમિકલ્સ એન્ડ એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્મ ઇક્વીપમેન્ટ, હાઇડ્રોજન, ઇલેક્ટ્રીક ઓટોરિક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ રોકાણકારો અને રાજ્ય સરકારે MoU કર્યા હતા. 
    
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો ફાળો ધરાવતા ગુજરાતની આ યોજના રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ સહિત ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 


અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, જે ૧૮ જેટલા MoU રાજ્ય સરકાર સાથે વિવિધ ઉદ્યોગ જૂથોએ-રોકાણકારોએ કર્યા છે તેના પરિણામે વડોદરામાં ૩, અમદાવાદના ભાયલામાં ર, સાણંદમાં ર, ભરૂચના દહેજ, સાયખા અને પાલેજ માં કુલ મળીને ૪, સુરતના પલસાણા અને સચિન માં કુલ-ર, કચ્છમાં ૧ અને સાબરકાંઠાના હિંમતનગરમાં ર ઉદ્યોગો આગામી ર૦રપ સુધીમાં તેમનું ઉત્પાદન કાર્ય શરૂ કરશે. 


આ પણ વાંચોઃ 15 રેલવે સ્ટેશનોનું રી-ડેવલોપમેન્ટ કરાશે, રાજકોટ સુધી લંબાવાઈ શકે છે વંદે ભારત ટ્રેન


આ રોકાણોથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સુદ્રઢ થશે. એટલું જ નહિ, સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામુહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube