GUJARAT માં આત્મનિર્ભર યાત્રાનું આયોજન કરશે રાજ્ય સરકાર, આ વિભાગો બનશે સહભાગી
રાજ્યભરમાં આગામી તા. ૧૮ થી ર૦ નવેમ્બર દરમ્યાન આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮મી નવેમ્બરથી ખેડા જિલ્લાના મહેમદાવાદથી યાત્રાનો પ્રારંભ ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ કરાવશે. કેન્દ્રીય મંત્રી (રા.ક), મંત્રીઓ, મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થશે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના સભ્યો સહિત અનેક મહાનુભાવો ૧૦૦ જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથોને પ્રસ્થાન કરાવશે.
ગાંધીનગર : રાજ્યભરમાં આગામી તા. ૧૮ થી ર૦ નવેમ્બર દરમ્યાન આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮મી નવેમ્બરથી ખેડા જિલ્લાના મહેમદાવાદથી યાત્રાનો પ્રારંભ ગ્રામ વિકાસમંત્રી અર્જુનસિંહ ચૌહાણ કરાવશે. કેન્દ્રીય મંત્રી (રા.ક), મંત્રીઓ, મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થશે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના સભ્યો સહિત અનેક મહાનુભાવો ૧૦૦ જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથોને પ્રસ્થાન કરાવશે.
રાજ્યના ૧૨ વિભાગો દ્વારા આ ત્રિદિવસીય કાર્યક્રમોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ યોજાશે. ૧૨ વિભાગોના કુલ રૂ.૧૫૭૭/- કરોડથી વધુના ૪૨,૯૫૦ જેટલા કામોના ખાતમુર્હુત/લોકાર્પણ તેમજ ૧,૯૨,૫૭૫ થી વધુ લાભાર્થીઓને લોન/સહાયના ચેક વિતરણ કરશે. જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન, વિવિધ કેમ્પ અને નિદર્શન શિબિરો, યોજનાકીય લાભોના પેમ્પ્લેટ વિતરણ, પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન યોજાશે.
ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવની’’ ઉજવણી થઇ રહી છે. પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ગામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહેએ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૮ નવેમ્બર થી ર૦ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં ત્રિદિવસીય ‘‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’’નું આયોજન કરાયું છે. મંત્રીએ ઉમેર્યું કે, ‘‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’’નો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી તા. ૧૮મી નવેમ્બરે કરાવશે.
આ યાત્રામાં ૧૦૦ જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથોનું પ્રસ્થાન આ જ દિવસે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મંત્રીમંડળના વિવિધ સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવાશે. આ તમામ રથો ત્રણ દિવસ દરમ્યાન જિલ્લા પંચાયતની ૧,૦૯૦ જેટલી બેઠકો પર સવારે ૮.૦૦ થી ૧ર.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૮.૦૦ દરમ્યાન પરિભ્રમણ કરશે. તા.ર૦મી નવેમ્બરના રોજ તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે. મંત્રીઓએ ઉમેર્યું કે, આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ ત્રણ દિવસ દરમિયાન ૯૯૩ જેટલા રૂટો પર ગ્રામ્યકક્ષાએ ફરીને ૧૦,૬૦૫ જેટલા ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુર્હૂત, યોજનાકીય લાભોના ચેક સહાય વિતરણ, વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઇનું આયોજન કરાશે. આ રથ દ્વારા સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિવકી, પેંફ્લેટ, વિગેરેના માધ્યમથી કરવામાં આવશે.
મંત્રીએ વધુ વિગતો આપતા ઉમેર્યુ કે, આ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રામાં સવારે ૮ થી સાંજે ૮ કલાક દરમિયાન, સ્વચ્છતા રેલી, તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ODF Plus, સામુહિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, સામુહિક શૌચાલય, તથા વ્યક્તિગત શૌચાલયની સમજ અને ફિલ્મ નિદર્શન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રીવોલ્વીંગ ફંડ (RF) તેમજ Community Investment Fund (CIF)નું વિતરણ, તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરી અંગેની ફિલ્મ નિદર્શન અને યોજનાકીય પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણની સમજ અને ફિલ્મ નિદર્શન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાની સમજ તેમજ જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, જંતુજન્ય, પાણીજન્ય રોગો અંગેની સમજ અને ફિલ્મ નિદર્શન કરવામાં આવશે.
આ ઉપરાંત પોષણયુક્ત ગુજરાત અંગે સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ૦થી ૩ વર્ષના બાળકો, ૩ થી ૫ વર્ષના બાળકો માટે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અંગેની સમજ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયતી ખેતી અંગેની સમજ, વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલન અંગેની સમજ, પશુ રસીકરણ, કૃત્રિમ વીર્યદાન, પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જરૂરિયાત અને સમજ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગામ યાત્રા યોજવામા આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત સરકારના જુદા જુદા વિભાગો દ્વારા નીચેની વિગતે વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહુર્ત તેમજ સરકારની વિવિધ યોજનાકીય લાભોના ચેક/સહાય વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓના લોકાર્પણ-ખાત મુહૂર્ત અને ચેક વિતરણ કરવામાં આવશે . જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજયમાં રૂ. ૧૨૩.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૮,૦૭૭ આવાસોનું લોકાર્પણ તેમજ ૧૩,૩૨૯ લાભાર્થીને રૂ. ૫૩.૩૧ કરોડના બીજા હપ્તાના સહાયના ચેક વિતરણ કરાશે. GLPC દ્વારા રાજયની તમામ જિલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં ૨,૪૮૬ સ્વસહાય જૂથોને રૂ. ૫.૧૨ કરોડના રીવોલ્વીંગ ફંડ (RF) તેમજ ૨,૪૩૭ સ્વસહાય જૂથોને રૂ. ૧૭.૫૬ કરોડના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) સહાયના ચેક વિતરણ કરાશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, રૂર્બન યોજનાના ત્રણ કલસ્ટરમાં રૂ. ૩.૬૯ કરોડના બે કામોના ખાતમુહૂર્ત તથા ૧૬ કલસ્ટરમાં રૂ. ૨૬.૨૩ કરોડના ૩૪ કામોનું લોકાર્પણ કરાશે. જ્યારે ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત ૨૮ કલસ્ટર આધારિત બાયોગેસ પ્લાન્ટસનું ૨૦ જિલ્લાઓમાં રૂ. ૪૧.૭૨ કરોડના ભૂમિ પૂજન હાથ ધરાશે . આ ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત મનરેગા તથા લાઇન ડીપાર્ટમેન્ટ સાથેના કન્વર્જન્સ સાથેના કુલ ૩૯ પ્રકારના વિવિધ કામોના ૨૩,૮૩૫ ખાતમુહૂર્ત તથા ૫,૫૦૩ વિકાસ કામોનું લોકાર્પણ કરાશે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, પંચાયત વિભાગ હેઠળ રાજયમાં ૧૫ માં નાણાપંચ આયોજન તથા અન્ય યોજનાના અંતર્ગત ૩,૬૭૬ કામોના લોકાર્પણ તથા ૪,૦૦૮ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત જળસંપતિ વિભાગ દ્વારા ૬૫ લોકાર્પણ અને ૮૪૯ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૨૮ જિલ્લાઓમા ૧૯૬ લોકાર્પણ અને ૬૧૭ ખાતમુહૂર્ત કરવામાં આવશે. દરેક ગામમાં જયા રથનુ રોકાણ થશે ત્યાં પાણીની ગુણવતા ચકાસવાનું નિર્દેશન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના સહીત ૧,૦૫,૨૦૭ લાભાર્થીઓને ૬,૨૮૧ કરોડના યોજનાકીય લાભો આપવામાં આવશે. તેમજ ૧૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ડાંગ જિલ્લા ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમ દરમ્યાન પ્રચાર પ્રસાર કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં અંદાજિત ૧,૦૯૦ જેટલા પશુ આરોગ્ય મેળા/જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન, વર્ષ ૨૦૨૧-૨૨માં મંજૂર થયેલ અંદાજીત ૧૦૦ દૂધઘર/ગોડાઉનનું ખાતમુહૂર્ત ગીરસોમનાથમાં બે અને આણંદમાં એક એમ ત્રણ પશુ દવાખાનાના મકાનનું લોકાર્પણ, આણંદ ખાતે ૧૦ ઉપકેન્દ્રોનું ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને સહાય - ચેક વિતરણ કરાશે.
આ ઉપરાંત ૧૦૦ રથના નિયત રૂટમાં સવાર અને સાંજના ભાગે વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન, પશુ રસીકરણ અને કૃત્રિમ બીજદાન અંગે સમજ, દરિયાકિનારાના જિલ્લાઓમાં માછીમારોને કુલ ૧૫,૦૦૦ નંગ જમ્બો પ્લાસ્ટીક કેટનું વિતરણ, મત્સ્ય ઉછેર કાર્યક્રમ હેઠળ કુલ ૧૦૦ લાભાર્થીઓને મહેનતાણાના મંજૂરી હુકમો તેમજ કુલ ૧૦૦ પગડીયા માછીમારોને પગડીયા કીટ જેમાં સાયકલ, જાળ, ઇન્સ્યુલેટેડ બોક્ષ, વજનકાંટાનું વિતરણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સહકાર અને પશુપાલનની વિવિધ યોજનાઓ હેઠળ ગોડાઉનોનું ભૂમિપૂજન-લોકાર્પણ, ૭૫ વિવિધ સહકારી મંડળીઓની નોંધણી તેમજ પશુપાલકો - માછીમારોને કિસાન ક્રેડીટ કાર્ડ-KCC નું વિતરણ કરાશે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૮૪ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત રૂ. ૨૦૮.૫ કરોડના ખર્ચે તેમજ આદિજાતી વિકાસ વિભાગ દ્વારા ૩,૨૧૬ કામોના લોકાર્પણ/ખાતમુહુર્ત રૂ. ૯૦.૦૯ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
તેમને કહ્યું કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત પંડિત દિન દયાળ આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું યોજના અને ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય યોજના અન્વયે રાજ્યમાં ૭,૫૨૩ લાભાર્થીઓને રૂ. ૨૧.૮૮ કરોડની સહાય ચુકવવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત સંપૂર્ણ રસીકરણ તેમજ ડીજિટલ હેલ્થ મિશન અંતર્ગત વધુમાં વધુ PMJAY Card તૈયાર કરવામાં આવશે. સરકારના તમામ વિભાગો દ્વારા સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરાનાર છે, જેમાં યોજનાઓને સંલગ્ન સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે. મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આંગણવાડીની સ્વચ્છતા, ધાત્રીમાતા અને કિશોરીઓને પોષણયુક્ત ખોરાક અંગેની સમજ તથા વાનગી નિદર્શન વિગેરેનું આયોજન કરાયેલ છે. શિક્ષણ વિભાગ, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા સ્પર્ધાઓ પણ યોજાનાર છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ ઉપરાંત આયુર્વેદિક પ્લાન્ટેશન અંગે પણ સમજણ આપવા શિબિરો યોજાનાર છે.
જુદા જુદા વિષયો અંર્તગત જનજાગૃતિ અન્વયે જિલ્લાઓ દ્વારા ૯૦૦ જેટલાં વેકસીનેશન કેમ્પ, ૯૮૦ જેટલાં હેલ્થ ચેકઅપ કેમ્પ, ૭૮૦ જેટલાં પશુચિકિત્સા કેમ્પ, ૯૧૦ જેટલાં અન્ય કેમ્પ, ૮૦૦ જગ્યાએ ખેડુતોને સહાય વિતરણ, ૮૪ જેટલાં “આત્મા” દ્વારા વર્કશોપ, ૧૨૫ જગ્યાએ પાણીનું ટેસ્ટીંગ, ૪૦૦ જેટલાં નિદર્શન, ૧,૦૪૭ જેટલી સ્પર્ઘાઓ, ૫૪૦ જેટલી જગ્યાએ ભવાઇ/શેરી નાટક/ડાયરાથી જનજાગૃતિ, રાત્રી મીટીંગો વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કેટલાક જિલ્લાઓમાં ઇનોવેટીવ કામગીરી હાથ ધરાનાર છે. ભરૂચ જીલ્લામાં પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ૫૦૦ પુસ્તકો આપવામાં આવનાર છે. છોટાઉદેપુર જીલ્લામાં હોમ સ્ટે, ટ્રેકિંગ સર્કીટ અને આદિવાસી સંસ્કૃતિને વેગ આપવાની કામગીરી હાથ ધરાનાર છે. દાહોદ જીલ્લામાં અભ્યાસમાં નિયમિત વિદ્યાર્થીઓનું સન્માન તો ડાંગ અને તાપી જીલ્લામાં રમતવીરોને તાલીમ જેવા કાર્યક્રમ હાથ ધરાશે. જુનાગઢ જીલ્લામાં આયુર્વેદિક વનસ્પતિમાંથી દવા બનાવવા, મહીસાગર જીલ્લામાં સીતાફળની ખેતી માટે માર્ગદર્શન, રાજકોટ જીલ્લામાં ૭૫ સ્થળોએ યોગ શિબિર જેવા કાર્યક્રમો હાથ ધરાશે. પાટણ જીલ્લામાં ૭૫ ગ્રામ પંચાયતમાં એક કિલો વોટના સોલાર રૂફટોપ તથા ૧૦ હેક્ટર જમીનમાં ૬૫૦૦ લીમડાનું વાવેતર જેવા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવનાર છે.
સમગ્રપણે આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ૧૨ વિભાગોના રૂ. ૪૪૧.૮૯ કરોડના ૧૯,૬૩૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૯૬૭.૮૨ કરોડના ૨૩,૩૨૦ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને ૧,૯૨,૫૭૫ લાભાર્થીઓને રૂ. ૧૬૭.૫૫ કરોડ જેટલી નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવશે.
રાજ્યના નીચે મુજબના ૧૨ જેટલા વિભાગો આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમોમા સહભાગી બનશે...
૧. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
૨. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
૩. કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર
૪. પશુ-પાલન, ગૌ-સંવર્ધન, મત્સ્યોધ્યોગ વિભાગ
૫. માર્ગ-મકાન વિભાગ
૬. આદિજાતિ વિકાસ વિભાગ
૭. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
૮. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
૯. મહિલા અને બાળ વિકાસ વિભાગ
૧૦. શિક્ષણ વિભાગ
૧૧. રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ
૧૨. વન અને પર્યાવરણ વિભાગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube