રાજ્ય શાળા સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળામાં આચાર્યોની ખાલી જગ્યા ભરવા સરકારને કરી વિનંતી
રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 3 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે.
અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારે સરકારી શાળામાં વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. પરંતુ રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 3 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે સરકારને વિનંતી કરવામાં આવી છે.
રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્યોની જગ્યા ખાલી
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યની 3000 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં સિનિયર શિક્ષકો ઇન્ચાર્જ આચાર્ય તરીકે કાર્યરત હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શાળા સંચાલક મંડળે આ ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી છે.
સંચાલક મંડળે કહ્યું કે, આવા શિક્ષકોને આચાર્ય તરીકેના ગુણ આપવા જોઈએ જેથી આવા શિક્ષકોને કાયદેસરના આચાર્ય બનવાની તક ઉભી થાય. 11 ફેબ્રુઆરી 2011ના ઠરાવથી શિક્ષક અને આચાર્યની ભરતી સરકારે પોતાના હસ્તક કરી હતી. ત્યારબાદ તમામ આચાર્યોની ભરતી સમયસર પૂર્ણ થઈ નથી.
આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
જૂન 2017માં પૂર્વ સીએમ આનંદીબેન પટેલ દ્વારા ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યની ભરતીની જેમ જ ભરતી પદ્ધતિને અનુસરી ગ્રાન્ટેડ શાળાના સંચાલકોને આચાર્યની ભરતી કરવા માટે સંમતિ દર્શાવી હતી, જો કે તેનું અમલીકરણ કરાયું નથી. મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સ્વ-નિર્ભર શાળામાં શિક્ષક કે આચાર્યની ભરતીના કોઈ નિયમ ના હોય તો એવા જ નિયમો સૌ શાળા સંચાલકોને લાગુ પડવા જોઈએ.
ગ્રાન્ટેડ શાળાના સંચાલકો જો આચાર્યની નિમણુંક કરી શકે તો જે તે શાળામાં યોગ્ય અને અનુભવી શિક્ષકને આચાર્ય બનવાની તક મળે, તેમજ જે તે શિક્ષક સન્માન સાથે જે તે સમયે નિવૃત્તિ પણ મેળવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube