હનીફ ખોખર/જૂનાગઢ: ગુજરાતની શાન એવા 23 સાવજના મોત બાદ તમામની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે ગીરના સાવજ માટે હજુ માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે, કે ગીરના સાવજ પર હજુ મોતનો ખતરો યથાવત છે. 23 સિંહના મોત પછી બીજા 21 સિંહમાં પણ વાઈરસના લક્ષણ દેખાયા છે.  ગીરના જંગલમાં 3 સપ્તાહના ટુંકા ગાળામાં 23 સિંહોના મોત બાદ વનવિભાગ અને સરકારે તાબડતોબ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. 


સૌપ્રથમ સાવજોના મોત ઈનફાઈટમાં મોત થયાનો અંદાજો લગાવવામાં આવ્યો હતો. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યુ હતુ કે ગીરના સાવજ સહિતના પ્રાણીઓમાં કેનાઈન ડિસ્ટેમ્બર નામના વાઈરસની લપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 23 સિંહોતો મોતને ભેટી ચુક્યા છે. જ્યારે હજુ 21 સિંહો આ વાઈરસની લપેટમાં હોવાનું સામે આવ્યુ છે. 23 સિંહના મોત બાદ બીજા સિંહની તપાસ કરવા માટે 27 સિંહોના સેમ્પલ ICMRમાં મોકલાવામાં આવ્યા હતા. જેમાં 21 સિંહના સેમ્પલમાં આ ઘાતક વાઈરસ જોવા મળ્યો હતો. હજુ આ વાઈરસ જોવા મળવાનો મતલબ એવો થાય છે કે હજુ બીજા પણ સિંહોમાં આ વાઈરસનો ફેલાવો થઈ રહ્યો છે. તો ICMRના રિપોર્ટમાં ભલામણ કરાઈ છે કે આ વાઈરસ હોવાથી ફેલાતો હોવાથી સિંહોને બીજે ખસેડવા જોઈએ. જોકે સરકારે સિંહોને બીજે ક્યાંય ખસેડવાની હાલ તો ના પાડી દીધી છે.