હિમાંશુ ભટ્ટ, મોરબીઃ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલીઓને બચાવવા માટે કોઈની પણ પાસે હાથ લાંબો કર્યા વગર અનોખી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દર વર્ષે મકરસંક્રિતએ પતંગ દોરાનો સ્ટોલ કરીને તેમાંથી થયેલા નફા ઉપરાંત પોતાના ખિસ્સામાંથી રૂપિયા નાખીને વિશ્વ ચકલી દિને 10 હાજર જેટલા ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવે છે. તેવી જ રીતે આજે પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં 10 થી 12 યુવાનોનું લક્કી ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાન લીધા વગર પોતાના ખિસ્સાના રૂપિયામાંથી ચકલીના માળા બનાવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષથી આ ચકલી બચાવો ઝુંબેશ લક્કી ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ મળીને પાંચેક લાખ જેટલા ચકલીના માળાનું આ ગ્રુપ દ્વારા વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળીને 10 હાજર કરતા પણ વધારે ચકલીના માળ અને 3 હજાર જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવા માટેનું આયોજન આ ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ ચૌધરી સમાજમાં બે ભાગ, વિપુલ ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન તો વિરોધી જૂથે મહાઆક્રોશ સંમેલન યોજ્યું


લક્કી ગ્રુપના યુવાનો સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, આજથી દસેક વર્ષ પહેલા બધા મિત્રો બેઠા હતા ત્યારે કોઈ ન કરતુ હોય એવું કંઈક કરવાનું નક્કી કરી રહ્યા હતાં. ત્યારે દિન પ્રતિદિન લુપ્ત થતી ચકલીને બચાવવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ જુદી જુદી જગ્યાએથી નાનામોટી રોજગારી મેળવતા શ્રમજીવી યુવાનો દ્વારા કોઈની પાસેથી ફંડ ફાળો એકત્રિત કર્યા વગર જ ચકલીને બચાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.  તેઓ મકરસંક્રાંતિ ઉપર પતંગ દોરાનો સ્ટોલ કરે છે જેમા લોકો તરફથી આ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે પુરેપુરો સહકાર આપવામાં આવે છે.


આ ગ્રુપના યુવાનો દ્વારા કોઈની પાસે હાથ લાંબો કાર્ય વગર જાત મહેનત કરીને ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને મોરબીના જે રીતે જાહેરમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબી આસપાસના ગામોમાં જઈને વિના મુલ્યે ચકલીના માળા લોકોના ઘરે ઘરે આ યુવાનો દ્વારા બાંધવામાં આવે છે.


આ પણ વાંચોઃ ભાવનગર જિલ્લામાં માઇનિંગને કારણે જમીનમાં અસાધારણ ફેરફાર જોવા મળ્યો, ખેડૂતોમાં ભયનો માહોલ


મોરબીમાં પર્યાવરણ અને પક્ષી પ્રેમી યુવાનોના આ ગ્રુપ દ્વારા આજે વિશ્વ ચકલી દિને મહારાણા પ્રતાપ સર્કલ પાસે રાહદારી લોકોને ૫૦૦૦ જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. ત્યાર બાદ બાકીના ૧૫ હાજર જેટલા માળા લોકોના ઘર કે કારખાને જઈને તેમને આપવામાં આવશે. અને ન માત્ર એક દિવસ પરંતુ આ ગ્રુપની સાથે જોડાયેલા યુવાનની શહેરના સામાકાંઠે વિસ્તારમાં દ્રષ્ટિ ઓપ્ટીકલ નામની દુકાન આવેલ છે. જ્યાંથી લોકોને બારે મહિના ચકલીના માળાનું વિનામૂલ્યે જ વિતરણ કરવામાં આવે છે. જો આવી જ રીતે દરેક લોકો ચકલી બચાવવા કામ કરશે તો ફરી પાછુ ઘરઘરમાં ચકલીનું ચી..ચી...સંભાળવા મળતું થશે તે હક્કિત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube