`મર્સીડીઝ મારા બાપની છે, પણ રોડ નહીં`, લખેલું પાટિયું પકડાવીને પોલીસે ઉતારી નબીરાઓની `રીલ`!
શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. પરંતુ પોલીસે અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો છે. જેનું વધુ એક ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયો આપી રહ્યું છે. પરંતુ પોલીસે અમદાવાદમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો હતો. આરોપીઓને ‘મર્સિડીઝ મારા બાપની પણ રોડ મારો નહીં’ ના પ્લે કાર્ડ આરોપીઓના હાથમાં પકડાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મર્સિડીઝ કાર પર પર સ્ટંટ કરનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સિંધુભવન રોડ પર કારમાં સ્ટંટ કરવાની એક ઘટના સામે આવી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો હતો, જેના કારણે પોલીસ સતર્ક બની ગઈ હતી. વાઇરલ વીડિયોને આધારે સરખેજ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જો કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં ત્રણથી ચાર જેટલી કારમાં કારના કાચ ખોલી મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા યુવાનો નજર પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોને લઈ સરખેજ પોલીસે તાબડતોડ ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. સાથે સાથે પોલીસે વીડિયોમાં સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને પણ જપ્ત કરી છે.
+
પોલીસે સમગ્ર કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી જુનેદ મિર્ઝાની ધરપકડ કરી છે. પોલીસે જુનેદ મિર્ઝાને સાથે રાખી સિંધુભવન રોડ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં સિંધુભવન રોડ પર ચાર કારમાં સ્ટંટ કરવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ તપાસમાં વધુ ખુલાસા થયા હતા. જે તે સમયે આરોપીઓએ અધૂરી વિગતો આપી હોવાનું ખુલ્યું હતું.
મહત્વનું છે કે, પોલીસે નબીરાઓ હાથમાં 'મર્સિડીઝ મારા બાપની પણ રોડ નહીં'નું પોસ્ટર પકડાવાયું હતું. તમામ સ્ટંટબાજો જુહાપુરાના અસામાજિક તત્વો છે. તમામ આરોપીઓના નામ આસીફ અલી, આઝીમ શેખ, શાહ નવાઝ શેખ, સમીર ખાન છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર પણ કબજે કરી હતી. જુનૈદ મિર્ઝા નામના નબીરાની પણ પોલીસે અટકાયત કરી હતી. નબીરાઓ પાંચથી છ કાર સાથે સ્ટંટ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિવાળી સમય સિંધુભવન રોડ પર ચાલુ કારમાં ફટાકડા ફોડતો વીડિયો વાયરલ થયો હતો જે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. બાપુનગરમાં થોડા દિવસો પહેલા તલવાર સાથે એકટીવા પર જતા 2 યુવકોનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ સિવાય રખિયાલ વિસ્તારમાં જાહેર રોડ પર ફટાકડા ફોડી ટ્રાફિકને અસર પહોંચાડતો વિડીયો પણ વાયરલ થયો હતો.