અલકેશ રાવ/બનાસકાંઠા: નવરાત્રી એટલે શક્તિની ભક્તિનું પર્વ,નવરાત્રી એટલે માં નવદુર્ગાની પૂજા આરાધના અને અર્ચનાનું પર્વ,નવરાત્રી દરમિયાન અનેક લોકો અલગ અલગ રીતે માતાજી ની પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે બનાસકાંઠાના એક યુવાન દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે. પાલનપુર તાલુકાના દલવાડા ગામના સુરેશભાઈ ચૌહાણ નામના ભકત દ્વારા નવરાત્રી દરમિયાન ઝાડ ઉપર દોરડું બાંધીને નવ દિવસ એક પગે ઉભા રહીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવ દિવસ એક પગે ઉભા રહીને નકરોડા ઉપવાસ કરવા છતાં પણ સુરેશભાઈમાં તાજગી અને જોશ જોવા મળી રહ્યો છે. આ ભક્તની આવી આકરી આરાધનાના કારણે અનેક લોકો તેમના ઘરે આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આધુનિક યુગમાં નવરાત્રીની ઉજવણી લોકો ડીજેના તાલે ગરબા ઘૂમી કરતા હોય છે. પરંતુ આજે અમે આપને એક એવા અનોખા ભક્ત બતાવીશું કે જે છેલ્લા 17 વર્ષથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહીને પોતાનીમાં પ્રત્યેની અતૂટ આસ્થા બતાવી રહ્યા છે.



બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો હાથમાં માળા, ચહેરા પર તેજ અને એક પગે નવ દિવસ, 24 કલાક સુધી અડીખમ ઉભો રહેતો આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ ચૌહાણ. સુરેશભાઈના માતા પિતાને માતાજી પ્રત્યે ગઝબની આસ્થા હતી. તેઓના આ ધાર્મિક સંસ્કાર સુરેશભાઈમાં ઉતર્યા હોવાથી તેઓ છેલ્લા પંદર વરસોથી નવરાત્રીના નવે નવ દિવસ એક પગે ઉભા રહી આરાધના કરે છે. તેઓનું માનવું છે કે આમ એક પગે ઉભા રહેવાથી તેમનું મનોબળ મજબૂત બને છે.



સુરેશભાઈના માતાપિતાએ તેમના બન્ને સંતાનોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કર્યું હોવાથી સુરેશભાઈ 18 વર્ષના હતા, ત્યારથી જ પોતાના ઘરમાં નવરાત્રીના નવે નવ દિવસ 24 કલાક ઝાડ પર દોરડું બાંધીને એક પગે ઉભા રહે છે. તેમના પરિવારના તમામ સભ્યો 24 કલાક તેમની સેવા માટે હાજર રહે છે. એક પગે ઉભા રહેવાની સાથે તેઓ નવ દિવસ ઉપવાસ પણ કરતા હોવાથી પરિવારજનો તેમની ખુબ જ કાળજી રાખે છે. પરિવારજનો પણ માં માતાજીની આરતી ઉતારી નવરાત્રીનું વાતાવરણ ભક્તિમય બનાવી દે છે. સુરેશભાઈની આ સાધના નજરે નિહાળવા અનેક લોકો તેમના ઘરે આવતા જતાં રહે છે..



સુરેશભાઇની પત્ની મધુબેન ચૌહાણે જણાવ્યું હતું કે, હું મારા પતિની ભક્તિના કારણે હું ધન્યતા અનુભવું છું. જ્યારે ગામના એક સ્થાનિકે જણાવ્યું કે, સુરેશભાઈની આવી આકરી તપસ્યા જોઈને ગામના લોકો અહીં આવે છે અને માતાજીની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.



સુરેશભાઈની આકરી સાધના આજના એ તમામ યુવાનિયાઓ માટે પ્રેરણા રૂપ છે  જે નવરાત્રીની નવ રાતો આરાધનાને બદલે મોજમસ્તીમાં મર્યાદા ભૂલી જતા હોય છે..  ત્યારે દલવાડાનો આ યુવાન સાચી સાધનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે