મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં મોડી રાત્રે એક ચોરીનો બનાવ બન્યો હતો. જોકે, આ બનાવ પર નજર કરીએ તો આ ચોરી અત્યંત વિચિત્ર હતી. કારણ કે, ચોરે કોઈ જ્વેલરીની કે મોબાઈલની દુકાનમાં ચોરી કરવા કરતા કેકની દુકાનમાં ચોરી કરી હતી. એટલુ જ નહિ, તેણે દુકાનમાંથી 17 હજારની કેક અને મોંઘીદાટ ચોકલેટની ચોરી કરી હતી. જોકે, સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ પાંજરાપોળ સર્કલ પાસે આવેલ ડેંગી ડમ્સ કેક શોપમાં ચોરીનો બનાવ બન્યો હતો. કેક શોપમાંથી 10 હજાર રૂપિયા રોકડાની ચોરી થઈ હતી. જોકે, ચોંકાવનારી બાબત એ પણ હતી કે, ચોરે દુકાનમાંથી 17 હજાર રૂપિયાની કેક તથા ચોકલેટની પણ ચોરી કરી હતી. આ જોઈ પોલીસ પણ અચંબામાં મૂકાઈ હતી. કેક શોપનું તાળું તોડી ચોરે સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે યુનિવર્સિટી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જોકે, ગણતરીના કલાકોમાં જ CCTV ફૂટેજ આધારે પોલીસે ચોરની ધરપકડ કરી હતી. 


પોલીસે આરોપી ધવલ ઉર્ફે ટીંગો જાદવની આ ચોરીના બનાવમાં ધરપકડ કરી છે. આરોપી ધવલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તે અગાઉ પણ ઘરફોડી ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તેમજ  પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. જોકે, કોરોનાની પરિસ્થિતિમાં કોઈ કામ ધંધો ન મળ્યો એટલે તેણે કેક શોપમાં ચોરી કરી હતી. પરંતુ ચોરી કરતા ભૂખ લાગી તો તેણે કેક પણ ખાધી હતી. બાદમાં તે રોકડા અને મોંઘીદાટ ચોકલેટ લઈ ફરાર થયો હતો. 


ધવલ મેમનગર પાસે વાળીનાથ નગરમાં રહે છે. એટલે તેણે નજીકના વિસ્તારની દુકાનને જ ટાર્ગેટ કરી હતી. ચોરી કર્યાની શંકા આધારે પૂછપરછ કરતા તેણે પોલીસ સામે ગુનાની કબૂલાત કરી હતી.