નવસારીમાં એક ડેરીમાં ચોરી, ચોરે પહેલા લસ્સી પીધી અને શ્રીખંડ ખાધુ, પછી રોકડ રકમ લઈને થયો ફરાર
નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી શ્રીરામ ડેરીમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં ચોર શટર તોડીને અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે શ્રીખંડ અને લસ્સીની મજા માણી ત્યારબાદ તે રોકડ રકમ ઉઠવીને ફરાર થઈ ગયો હતો.
નવસારીઃ ચોરી કરવા માટે ચોર અનેક કરબત અજમાવતા હોય છે. શિયાળાની શરૂઆત થતા પોતાનો કરતબ અજમાવવા માંડ્યા છે. નવસારીના જુનાથાણા વિસ્તારની શ્રીરામ ડેરીમાં ગત રાતે એક ચોર શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો અને રોકડા દસ હજાર ચોરી ઘટના સ્થળેથી ફરાર થયો હતો. પરંતુ એ પૂર્વે ચોરે દુકાનમાં ફ્રીઝ ખોલી ઠંડી લસ્સી સાથે શ્રીખંડની મજા માણી હતી.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા બાદ નવસારીમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જ્યાં ઠંડીને કારણે બજારો વહેલા બંધ થઈ રહ્યા છે, ત્યાં ચોર ટોળકી પણ પોતાના કરતબ અજમાવી રહી છે. નવસારીના જુનાથાણા નજીક આવેલ શ્રીરામ ડેરીમાં મોડી રાતે એક ચોર દુકાનની શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ્યો હતો. દુકાનમાં ફ્રીઝ ખોલી તપાસ્યા હતા, જેમાં ચોરી કરવા પહેલાં ચોરે લસ્સીની મજા માણવાનું વિચાર્યું અને ફ્રીઝમાંથી લસ્સીના ત્રણ ચાર ગ્લાસ પી ગયો હતો. ત્યારબાદ અમેરિકન શ્રીખંડ આરોગ્યો હતો. પેટ પુજા કર્યા બાદ ચોર ધંધે ચઢ્યો અને દુકાનના ગલ્લાને ફંફોળતા અંદાજે 10 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જે રોકડ લઈ અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ મંત્રીઓને કરી ખાતાની ફાળવણી, જાણો કોને મળ્યું ક્યું મંત્રાલય
સવારે જ્યારે કર્મચારી દુકાને પહોંચ્યો, તો દુકાનનું શટર તૂટેલું જણાયું. જેથી દુકાન માલિકને ઘટનાની જાણ કરી તપાસ કરતા દુકાનમાં ચોરી થયાનું જણાવ્યું હતુ. સમગ્ર મુદ્દે દુકાન માલિકે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચોરીની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી માં કેદ થઈ હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપી ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube