એરપોર્ટને ટક્કર આપે તેવું બસ સ્ટેન્ડ તો બનાવ્યું, પરંતુ એક `રમકડું` મૂકવાનું રહી ગયું અને પથારી ફરી ગઈ!
Palanpur : પાલનપુર શહેરની મધ્યમાં આવેલું જૂનું બસસ્ટેન્ડ જર્જરિત થઈ જતા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર દ્વારા બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આધુનિક સુવિધાઓથી સજ્જ બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું.
અલકેશ રાવ / બનાસકાંઠા : પાલનપુરમાં ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પાલનપુરના જુના બસ સ્ટેન્ડને તોડી પાડી રૂપિયા 363..54 લાખના ખર્ચથી આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશન બનવવામાં આવ્યું છે. જોકે આધુનિક બસ સ્ટેન્ડમાં એકપણ સીસીટીવી કેમેરો ન લગાવ્યો હોવાથી મુસાફરોના વાહનોમાં તોડફોડ, ચોરી, છેડતી, મારામારી જેવી ઘટનાઓ બનતા મુસાફરો સહિત સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. જેને લઈને સ્થાનિકો બસસ્ટેન્ડમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરી રહ્યા છે.
પાલનપુર શહેરની મધ્યમાં આવેલું જૂનું બસસ્ટેન્ડ જર્જરિત થઈ જતા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર દ્વારા બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આધુનિક સુવિધાઓથી સજ્જ બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું જ્યાં રોજની અંદાજે 250થી વધુ બસો આવી રહી છે અને ગ્રામીણ વિસ્તાર સહિત શહેરના 25 હજાર થી વધુ મુસાફરો બસ સ્ટેન્ડમાં અવરજવર કરી રહ્યા છે.
જુના બસસ્ટેન્ડમાં નવિન બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. પરંતુ તેમાં સીસીટીવી ના હોવાથી બસસ્ટેન્ડમાં પેસેન્જરના ખિસ્સા કપાવવા, મોબાઈલ ચોરી થવા તેમજ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવી અને વાહનો ચોરી થવાના બનાવો બનતા હોવાના તેમજ રાત્રીના સમયે ઓછી અવર જવર હોવાના કારણે દારૂ પીને ધમાલ કરવાવાળા પણ વધતા જાય છે. તેમજ છેડતીના બનાવો પણ બને છે.
જોકે બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે આવરા તત્વો મહિલાઓ તેમજ વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને વિધાર્થીઓ ,મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે જેને લઈને વિધાર્થીઓ અને મુસાફરોએ એસટી ડેપો મેનેજરને ઉગ્ર રજુઆત કરી બસ સ્ટેન્ડમાં તાત્કાલિક કેમેરા લગાવવાની માંગ કરી છે.
પાલનપુરના જુના બસ સ્ટેન્ડમાં એકપણ સીસીટીવી કેમેરો ન હોવાથી અસામાજીક તત્વો બેફામ બની રહ્યા છે જેથી મુસાફરો અને સ્થાનિકોએ તાત્કાલિક બસસ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લાગવાની માંગ કરતા પાલનપુરના એસટી ડેપો મેનેજરે પોતાનો બચાવ કરતા કહ્યું કે અમે ઉપર રજૂઆતો કરી છે અને જેમ બને એમ ઝડપી કેમેરા લગાવવામાં આવશે.