Gujarat Heavy Rains: ગુજરાતમાં એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું માથાનો દુઃખાવો બની ગયું છે. જે અંતર કાપતા અડધો કલાક લાગે ત્યાં હાલ બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે..કારણ છે ખાડામાં ગુજરાત...હા, એટલા ખાડા કે વાહનો દોડી નથી શક્તા. જુઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પડેલા ખાડાનો આ ખાસ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદે તો વિરામ લીધો, ઘણા ગુજરાતીઓને હાશ થઈ હશે. પણ ખરી મુશ્કેલી તો હવે શરૂ થઈ છે. અને મુશ્કેલી કેવી? તો એ તમારી ટીવી સ્ક્રીન પર દેખાતી હશે. વરસાદે સરકારના મોટા મોટા દાવાઓની પોલ કેવી ખોલી છે તે જુઓ...વિકાસના બણગાં પોકારતી સરકાર જરા આ દ્રશ્યો જુએ...દ્રશ્યો એ જ ગુજરાત મોડલના છે જેનો સરકાર વિશ્વમાં ડંકો વગાડતી ફરે છે. પણ ખરી હકીકત તો આ દ્રશ્યોમાં છે. કોઈ શહેર કે ગામ નથી બચ્યું  જ્યાં રોડ પર ખાડા ન હોય. સમજાતું નથી કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ?


ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. અધિકારીઓ દેખા દેતા નથી તો અમે એક જાગૃત મીડિયા તરીકે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફર્યા. અને જ્યાં પણ ચંદ્રની સપાટી જોવા મળી તેને કેમેરામાં કેદ કરી. પ્રજાની હાલાકી પણ સાંભળી. પછી એ આખો અહેવાલ ગાંધીનગર સુધી પહોંચે અને સરકાર કંઈક કરે તે માટે અમે પ્રયાસ કર્યો છે. અમે રાજકોટ પહોંચ્યા...તો શહેરના માધાપર ચોકડી, ગોંડલ ચોકડી અને રામપીર ચોકડી પર ખાડા જ ખાડા જોવા મળ્યા. એવા અને એટલા ખાડા કે વાહનો અહીં ભંગાર બની જાય. સાંભળો પ્રજાનો આ રોષ.


  • રાજકોટના આ છે રોડ 

  • વિકસિત ગુજરાતના રોડ 

  • ખાડામાં ગયો છે વિકાસ!


રંગીલા રાજકોટ પછી સુરતની શેર કરી...તો અહીં પણ ખાડા જ ખાડા જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં ખાડા, રોડ પર વાહનો ડાન્સ કરી રહ્યા હતા. ઓલપાડથી કીમ ગામ સુધીનો માર્ગ એટલો બિસ્માર કે કલાકોનો સમય અંતર કાપતા લાગ્યો. સૌથી મોટી વાત તો એ છે કે એક પણ અધિકારી કે વિભાગને આ ખાડાની જરા પણ ચિંતા નથી.


  • સુરતમાં વિકાસ ખાડામાં

  • રોડ પર મસમોટા ખાડા

  • સુરતનો ડાન્સિંગ રોડ!


 
અમદાવાદ, રાજકોટ, સુરત પછી ગરવા ગઢ ગિરનારના જ્યાં બેસણાં છે તે જૂનાગઢમાં પહોંચ્યા. તો અહીં વરસાદ પછી ખાડાઓએ શહેરને પોતાની આગોસમાં લઈ લીધું હોય તેવું લાગ્યું. શહેરના મુખ્ય રોડ હોય કે પછી અંદરના કોઈ રસ્તા. ક્યાંય રોડ સારો જોવા ન મળ્યો. વાહનોને ભંગાર બનાવતા અને વાહનચાલકોને હોસ્પિટલ પહોંચાડતા આ રોડથી પ્રજા બંડ પોકારી ગઈ છે.


  • ખાડાઓની નગરી જૂનાગઢ

  • રોડ પર ખાડા કે ખાડામાં રોડ?

  • જ્યાં જુઓ ત્યાં ખાડા


સૌરાષ્ટ્રની સફર કરીએ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરીને કેમ ભૂલાય? અમે ભાવનગર પહોંચ્યા. અહીં પહોંચતાં મહારાજા યાદ આવી ગયા. કારણ કે  કૃષ્ણકુમારસિંહજીએ જ લોકશાહીના બીજ રોપવા માટે સૌથી પહેલી પોતાની નગરી અર્પણ કરી દીધી હતી. પણ આજે તેમનો આત્મા દુભાતો હશે. સત્તાધીશોએ તેમની સુંદર, ભવ્ય નગરીને કેવી બનાવી દીધી છે? શહેરના તમામ રોડ બિસ્માર, શહેરને અન્ય ગામો સાથે જોડતા રસ્તા પણ તુટેલા, હાઈવે પર પણ ખાડા. આખુ ભાવનગર જાણે ખાડનગર બની ગયું હોય તેવું લાગ્યું.


  • ભાવનગર કે ખાડાનગર?

  • બિસ્માર રોડ 

  • ખરાબ હાઈવે 

  • તુટેલા રસ્તા


સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરો પછી અમે મધ્ય ગુજરાતમાં પ્રવેશ્યા. અમે વડોદરામાં હતા. એ વડોદરા જે થોડા દિવસ પહેલા પાણીમાં ડૂબેલું હતું. ભ્રષ્ટ તંત્રના પાપે શહેરીજનો તરી રહ્યા હતા. એ જ વડોદરામાં હવે ખખડેલા રોડ મોટી સમસ્યા બન્યા છે. પાદરાના મહુવડ અને ગંભીરાને જોડતો આ માર્ગ જુઓ. હાઈવે પાણીમાં ધોવાઈ જતાં આખો રોડ ખાડા રોડ બની ગયો છે. એટલો ખરાબ રોડ છે કે લોકોનો રોષ આ રોડથી સમાતો નથી.


  • ભ્રષ્ટ તંત્રનો ઉત્તમ નમૂનો

  • રોડ પર ધૂળની ડમરીઓ

  • હાઈવે પર ખાડા જ ખાડા


શહેરીજનો પાસેથી વિકાસના નામે કરોડોનો ટેક્સ સરકાર વસૂલે છે. પ્રજા તો બિચારી મૂંગા મોઢે ટેક્સ આપી દે છે પણ આ પરસેવાની કમાણીના બદલામાં તેને મળે છે શું..? એ જ ખરાબ રસ્તા. એ જ તુટેલા રોડ, અને એજ મોટી પરેશાની. તો પછી એક માર્મિક પ્રશ્ન પ્રજા પૂછી રહી છે કે ટેક્ષ આપવાનો મતલબ શું?