ફાયર સેફ્ટી વગર અમદાવાદમાં ધમધમી રહી છે આ શાળાઓ, ચેકિંગના નામે અહીં માત્ર તાયફાઓ
રાજકોટમાં આગકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ ફાયર સેફ્ટીનું ચેકિંગ ચાલી રહ્યું છે. અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગની કચેરી દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ કરાવવામાં આવી રહી છે. ઝી 24 કલાકના કેમેરામાં ફાયર સેફ્ટી વગર ચાલી રહેલી શાળાઓ કેદ થઈ છે.
અમદાવાદ: ફાયર સેફ્ટીના અભાવે રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ સર્જાય છે.. બેદરકારીના કારણે કેટલાય નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાય છે.. સૌથી અગત્યની વાત એ છેકે, લોકોના જીવ પર જોખમ હોવા છતાં પણ કેટલાક તત્વો સુધરવાનું નામ નથી લેતા.. કંઈક આ પ્રકારની જ ઘટના અમદાવાદમાં સામે આવી છે જ્યાં શેડવાળી શાળાઓ ફાયર સેફ્ટીનો અભાવ હોવા છતાં પણ ધમધમી રહી છે.. જુઓ ZEE 24 કલાકના કેમેરામાં આવા દ્રશ્યો કેદ થયા છે.
અમદાવાદના મણિનગરમાં આવેલી સેન્ટ બ્લેઝ્ડ શાળાના દ્રશ્યો છે.. શાળામાં ફાયર સેફ્ટીનો સંપૂર્ણ રીતે અભાવ છે.. આ શાળામાં ધાબાના ભાગે પતરાવાળા ચાર વર્ગો છે જ્યારે વિદ્યાર્થીઓને એન્ટ્રી અને એક્ઝિટ માટે એકમાત્ર રસ્તો જ છે.. એટલું જ નહીં આ શાળામાં ફાયર એક્સ્ટિંગ્યુશર પણ એક્સપાયરી ડેટના છે.. જોકે, ચોંકાવનારી વાત એ છેકે, આ તમામ બેદરકારી DEOને ન દેખાઈ.. શાળા શરૂ થાય તે પહેલાં DEO કચેરીના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ, ફાયર સેફ્ટી અને અન્ય ચેકિંગના નામે અહીં માત્ર તાયફાઓ જ થયા છે..
સ્વાભિવક છેકે, શાળાને જોઈતું હોય એ રીતે મળી ગયું તો, DEO કચેરીના અધિકારીઓની કામગીરી પ્રિન્સિપાલ પણ બિરદાવી રહ્યા છે.. શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે, DEO કચેરીના ચેકિંગમાં બધુ બરાબર છે.. ZEE 24 કલાકના અહેવાલ બાદ સેન્ટ બ્લેઝ્ડ શાળામાં DEO કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.. એટલું જ નહીં DEO કચેરી દ્વારા કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી..
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીએ મંત્રીઓને વિભાગો ફાળવ્યા, જાણો ગુજરાતના મંત્રીઓને કયાં ખાતા મળ્યા
તો બીજી તરફ અમદાવાદની અન્ય શાળાઓને પણ ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.. ઉદગમ સ્કૂલ અને નવકાર જેવી શાળાઓમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.. એટલું જ નહીં ફાયર સેફ્ટીના સાધનો ઓપરેટ કરી શકે તેવા સ્ટાફની ભરતી કરવાનો પણ આદેશ કર્યો છે..
એક નાની એવી બેદરકારી મોટી દુર્ઘટના સર્જી શકે તેનું જ પરિણામ રાજકોટમાં ગેમઝોનની દુર્ઘટના છે.. જોકે, આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચૂકી હોવા છતાં પણ રાજ્ય સરકારનું તંત્ર હજુ સુધરવાનું નામ નથી લેતું..