વોટ્સએપ સ્ટેટસ જોઈને ચોરી કરતો ચોર પકડાયો, મિત્રના ઘરમાં જ ધાડ પાડી
Rajkot Crime News : રાજકોટમાં દિવાળીના તહેવાર પર થયેલી ઘર ફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. જેસલમેર ફરવા ગયેલા મિત્રના વોટ્સએપ સ્ટેટ્સ જોયા બાદ મિત્રે જ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરે આવી બે જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તસ્કરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જૂઓ કોણ છે આ તસ્કર અને કેવી રીતે મિત્રોના જ ઘરમાં કરી ચોરી અમારા આ રિપોર્ટમાં...
Rajkot News રાજકોટ ગૌરવ દવે/રાજકોટ : તહેવારોમાં ફરવા જવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. બહારગામ ગયેલા લોકોના સ્ટેટ્સ જોઈને ઘરફોડ ચોરી કરતો ચોર ઝડપાયો છે. જેણે અલગ અલગ બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. ચોરે માત્ર 3 દિવસની અંદર અલગ અલગ બે ઘરફોડ ચોરીને સ્ટેટ્સ જોઈને અંજામ આપ્યો હતો. રાજકોટ એલસીબી ઝોન 2 ની ટીમે ચોરને ઝડપી પાડ્યો છે. રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 3 લાખ 74 હજારના મુદ્દામાલ સાથે ઈરફાન અલીમિયા કાદરી નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જે લોકોના સ્ટેટ્સ જોઈને ઘર માલિક ઘર પર નથી તેની માહિતી મેળવતો હતો.
- નાનામવા - કાલાવડ રોડ પરની ચોરીનો ઉકેલાયો ભેદ..
- મિત્ર - પડોશી બહારગામ ગયાની જાણ થતાં જ કર્યો હાથફેરો..
- સોના - ચાંદીના દાગીના સહિત રૂ. 3.74 લાખનો મુદ્દામાલ કબ્જે..
- વોટ્સએપ સ્ટેટ્સ મૂકવું પડ્યું ભારે, થઈ ચોરી..
સમગ્ર ઘટના પર નજર કરીએ તો, રાજકોટના નાનામવા રોડ પર દેવનગર શેરી નં.6 માં રહેતાં રાહુલભાઈ રમેશભાઈ દાફડા પરિવાર સાથે 4 નવેમ્બરના બપોરના બે વાગ્યે રાજસ્થાન ફરવા માટે ગયેલ હતા. ઘરમાંથી બહાર નીકળતી વખતે તેમને તાળુ મારેલ હતુ. તેઓ જેસલમેર હતા ત્યારે પાડોશમાં રહેતાં સંબંધી મામા અનીલભાઇ વાઘેલાનો ફોન આવ્યો હતો કે તારા ઘરમાં તાળા તુટેલ છે અને ચોરી થઈ છે. જેથી તેઓ સહપરીવાર પરત રાજકોટ આવવા માટે નીકળી ગયેલ અને ઘરે પહોંચી જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં પ્રવેશતા હોલમાં પડેલ તેમની માતાની પતરાની તીજોરી, તેમજ રૂમમાં રહેલ પત્નીની પતરાની તીજોરી તુટેલ હાલતમાં હતી. જેમાંથી તસ્કર રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.13 મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
રાજકારણમાં જોડાવા અંગે IPS અભય ચુડાસમાનો મોટો ખુલાસો, કહી દીધી મનની વાત
જ્યારે બીજા બનાવમાં કાલાવડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં મનસુખભાઇ બચુભાઇ ચુડાસમા વતન માંગરોળના મેણજ ગામે દીવાળીનો તહેવાર કરવા રોકાવા ગયા હતા. દિવાળી બાફ ઘરે પરત આવતા જે તાળુ માર્યું હતું તેને બદલે બીજુ તાળું માર્યું હતું. દરવાજાના લોક નજીક દરવાજાના ભાગે નિશાન જોવા મળ્યા હતા, જેથી કોઈએ તાળું તોડેલું હોવાની શંકા ગઈ હતી. બાદમાં પલમ્બરનું કામ કરતાં પડોસીને બોલાવી તાળુ તોડાવી ઘરમાં જોતા કબાટનો લોક કોઈએ તોડેલ અને સામાન વેર-વીખેર હતો. જેમાં રાખેલ રોકડા રૂ.6 હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. આ બન્ને ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને ખાનગી બાતમીદારોના માધ્યમથી તપાસ હાથ ધરતા મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવાડ રોડ વૃંદાવન મેઇન રોડ પરથી તસ્કર ઈરફાન અલિમિયાં કાદરીની ધરપકડ કરી ચોરીના સોના ચાંદીના દાગીના તથા રોકડ, બાઈક મળી કુલ રૂ.3.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તસ્કર દેવનગરમાં થયેલ ચોરીના બનાવમાં ફરિયાદીનો મિત્ર છે અને તેઓ જેસલમેર ફરવા જતાં તેઓએ સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરતાં જ આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે સમૃદ્ધિ આવાસ યોજના ક્વાર્ટરમાં થયેલ ચોરીના બનાવમાં તે ફરિયાદીના બાજુના ક્વાર્ટરમાં જ રહેતો હતો અને પડોશી બહાર ગયા તેવી જાણ થતા જ ચોરીને અંજામ આપ્યો હતો.
ગુજરાતીઓને ભણવામાં રસ નથી, આ અમે નહિ આંકડા કહે છે! ન સુધર્યો ડ્રોપ આઉટ રેશિયો
દારૂનો ધંધો બંધ થતા તસ્કરી શરૂ કરી
છેલ્લા ઘણાં સમયથી શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એલસીબીની ટીમોએ દારૂના ધંધાર્થી પર ઘોંસ બોલાવી છે અને દારૂના ધંધાર્થી હાલ બેકાર બની ગયાં છે અને તસ્કરી જેવાં ધંધે ચડી ગયાં હોય તેવું સામે આવ્યું છે. શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલ ઈરફાન કાદરીનો પણ લાંબા સમયથી દારૂનો ધંધો ઠપ્પ થઈ જતાં બેકારીના કારણે ચોરીના રવાડે ચડયાનું રટણ કર્યું હતું.
તહેવારોમાં બહારગામ ફરવા જાવ ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, ફરવા ગયેલ હોય ત્યારે ફરવા ગયેલ હોવાના પરીવારના ફોટા કે વિડીયો સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર મુકવાથી ઘર બંધ હોવાની જાણ થતા ચોરીના બનાવ બનતા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી પોલીસે અગાઉ જ લોકોને અપીલ કરી હતી કે, સોશ્યલ મીડિયા પર ફરવા જાવ તો ફોટોગ્રાફ્સ અપલોડ કરવા નહિ છતાં લોકો પ્રવાસન સ્થળો પર જઇ ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હોવાથી ચોરીની ઘટના સામે આવી. જોકે પોલીસે આરોપીને ઝડપી જેલના સળીયા ગણતો કરી દીધો છે. ત્યારે પોલીસ તપાસમાં કેટના નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
ભાજપનું મોટું એક્શન, વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યા