પ્લાસ્ટિકના દાણાની ટ્રકના લૂંટારૂઓ આખરે પોલીસની ગિરફ્તમાં આવી ગયા
ડાકોરથી કપડવંજ જતી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકને ત્રણ આરોપીઓએ અન્ય ટ્રકની મદદથી લૂંટીને રાજસ્થાન તરફ ફરાર થયા હતા. ઠાસરા પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીને આખરે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ બનાવવા માટે પ્લાસ્ટિકના દાણા ખુબ મહત્વના હોય છે. જો તમારી પાસે પ્લાસ્ટિકના દાણાનો જથ્થો છે તો સમજી લો કે તમે ધનવાન છો. આવા જ પ્લાસ્ટિકના દાણા પર ચોર લુંટારુઓની પણ ચાંપતી નજર હોય છે. આવી જ એક ઘટના ડાકોર કપડવંજ રોડ પર બની છે જ્યાં પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક લૂંટીને લૂંટારુઓ જઈ રહ્યાં હતા. સદનસીબે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ફોટોના જોવા મળતા આ ત્રણ શખ્સ રીઢા ગુનેગાર છે. અને હાઇવે પર ટ્રકો લૂંટવાનું કામ કરે છે. 31 જાન્યુઆરીની રાત્રે ડાકોરથી કપડવંજ તરફ પ્લાસ્ટિકના દાણા ભરીને જઈ રહેલી એક ટ્રકને બીજી ટ્રકની મદદથી આ આરોપીઓએ ઓવરટેક કરી હતી. 31 લાખ રૂપિયાના પ્લાસ્ટિકના દાણા ભરીને જઈ રહેલી ટ્રકને રસ્તા વચ્ચે રોકી, તેના ડ્રાઈવર અને ક્લિનરને બંધક બનાવી, બાદમાં બંને ટ્રકો લઈ આ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ સુમસામ જગ્યા પર બંને ટ્રકો લઈ જઈ પ્લાસ્ટિકના દાણાનો મુદ્દામાલ પોતાની સાથે લાવેલી ટ્રકમાં ખાલી કરી ડ્રાઈવર અને ક્લીનરને ત્યાં છોડી આ આરોપીઓ પલાયન થઈ ગયા હતા. સમગ્ર બાબતે ઠાસરા પોલીસમાં ગુનો નોંધાયો અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ફરિયાદીની ફરિયાદને ધ્યાનમાં લઈ પોલીસે ટ્રકના નંબર પરથી જુદા જુદા રૂટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. અને આ આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે રાજસ્થાન પોલીસને આ ગુનેગારો મળી ગયા હતા અને પોલીસે તેઓની ધરપકડ કરી હતી. જેઓએ ઠાસરા પોલીસનો સંપર્ક કરતા આ ત્રણેય આરોપીઓ હાલ પોલીસની ગીરફ્તમાં છે.
મહત્વની બાબત છે કે લૂંટની ઘટનાને અંજામ આપનાર સાદિક શાહિદ માત્ર 19 વર્ષની ઉંમરનો છે. જેની સાથે અસલમ મુખત્યાર નેવ 24 વર્ષનો અને સાદિક શાહિદ નેવ 26 વર્ષીય યુવક છે. આ ત્રણે યુવકો આટલી નાની ઉંમરમાં લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે આરોપીઓ કેટલા શાતીર હશે તે સમજી શકાય છે.