ચેતન પટેલ, સુરતઃ જે બાળકીને ભવિષ્યમાં ડોક્ટર બનવાના સપના છે તે હાલ ડોક્ટરની આશા ઉપર જીવી રહી છે. આ વાત સાંભળતા કદાચ તમને અઝૂગતું તો લાગશે પરંતુ આ એક કડવી અને સાચી હકીકત છે. 11 વર્ષની બાળકીના સપના ડોક્ટર બનવાના છે પરંતુ તેને એ વાતનો ખ્યાલ નથી કે આ દુનિયાને ગમે તે સમયે તે અલવિદા કહી દેશે. બાળકીને છેલ્લા સ્ટેજનું કેન્સર હોવાથી તેની બે વાર સર્જરી અને 13 વાર કિમો આપવામાં આવ્યો છે. જો કે બાળકીની આ ઈચ્છા અધૂરી ન રહે તે માટે હોસ્પિટલના જ ટ્રસ્ટી મહેશભાઈ દ્વારા પોતાના અથાગ પ્રયાસ શરૂ કર્યા છે. બાળકીને અભ્યાસ કરાવવા માટે અલગ-અલગ વિષયના દરેક શિક્ષકો રોજેરોજ હોસ્પિટલ આવે છે અને હોસ્પિટલમાં જ આ બાળકીને અભ્યાસ કરાવે છે. બાળકીના ચહેરા પર સ્મિત છલકાતા ટ્રસ્ટી અને હોસ્પિટલ સ્ટાફમાં પણ ખુશી જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ૧૧ વર્ષીય માયા ધોરણ ચારમાં હતી ત્યારે તેને કેન્સર ડિટેક્ટ થયું હતું. બાદમાં તેના માતા પિતા દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવી રહી હતી પરંતુ માયા ચોથા સ્ટેજ ઉપર પહોંચી ગઈ હતી. જેને કારણે તેનું બે વાર ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ ઉપરાંત 13 વખત કીમો પણ આપવામાં આવ્યો હતો. હાલમાં તેની સ્થિતિ ગંભીર અવસ્થામાં છે. આ ઉપરાંત તેના માતા પિતા પાસે એટલા પૈસા નથી કે હવે તેની વધુ સારવાર કરાવી શકે. જેથી માયાને આશાદીપ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં તેની મફત સારવાર થઈ રહી છે. 


આ પણ વાંચોઃ કંડલા બંદરે ગેરકાયદે દબાણો કરાયા દૂર, 600થી વધુ ઝૂંપડા હટાવાયા, 200 એકર જમીન થઈ ખાલી


માયાને જ્યારથી અહીં સારવાર માટે ખસેડવામાં આવી છે ત્યારથી અહીંના હોસ્પિટલ તંત્ર દ્વારા તેને એક પરિવારની જેમ સારવાર આપવામાં આવી રહી છે. હાલ એવી પરિસ્થિતિ છે કે માયા ગમે તે સમયે આ દુનિયાને અલવિદા કરી શકે છે. જેને કારણે હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા તેની દરેક જે ઈચ્છાઓ છે તે પૂરી કરી રહ્યું છે. માયાએ પોતે ડોક્ટર બનવા માંગે છે અને તે અભ્યાસ કરવા માંગતી હોવાની ઈચ્છા તેને ટ્રસ્ટી મહેશભાઈ પાસે કરી હતી. મહેશભાઈએ પોતાની દીકરી હોય તેમ તેની આ ઈચ્છા પૂરી કરવા માટે હસતા મોઢે હા પાડી દીધી હતી અને તાત્કાલિક ધોરણે શિક્ષકો આ બાળકીને સારવારની સાથે અભ્યાસ પણ મળી  શકે તે પ્રકારનું આયોજન હાથ ધર્યું હતું. 


હાલમાં આ બાળકીને દરેક વિષય દીઠ અલગ અલગ શિક્ષકો રોજેરોજ ભણાવવા માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે. હાલ આ બાળકીના ચહેરા પર ખુશી જોઈ તેના માતા પિતાની સાથે હોસ્પિટલ સ્ટાફમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માયા અભ્યાસમાં એટલી હોશિયાર છે કે તેના દરેક ધોરણમાં 80% જેટલા આવતા હતા અને તેના તેના શિક્ષકો પણ ખૂબ જ અભ્યાસ પૂરતી કાળજી લેતા હતા. અભ્યાસની સાતોસાથ તેનો ચિત્રકામ પણ એટલું જ સુંદર છે. હસ્તકલા ક્ષેત્રે પણ તેને અવનવી  ભગવાનની મૂર્તિઓ હોસ્પિટલમાં રહી બનાવી છે.