પાલનપુર: ઉત્તર ગુજરાતના પાલનપુર પાસે આવેલા લાખણી તાલુકાના મડાલનો ખેડૂત બનાસડેરીના સહયોગથી છેલ્લા ત્રણ વર્ષથી મધમાખીનું ઉત્પાદન કરી રહ્યો છે. તેમાં આ વર્ષે 350 મધમાખી બોક્ષમાંથી 15 થી 17 ટન મધ ઉત્પાદન કરી છ માસમાં રૂ. 23 લાખ ઉપરાંતનો નફો મેળવશે. બનાસકાંઠાના ખેડૂતો ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસડેરીના સહયોગથી જિલ્લાના અમુક ખેડૂતો મધમાખીમાંથી મધનું પણ ત્રણ વર્ષથી ઉત્પાદન કરતાં થયા છે. તેમાં લાખણી તાલુકાના મડાલના ખેડૂત રોણાભાઇ લાલાજી પટેલ મધમાખીના ઉછેર કેન્દ્રમાં કાઠું કાઢી રહ્યા છે. આ અંગે રોણાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘બે વર્ષ પહેલાં મધમાખીના બી-બોક્ષ 50 રૂ. 4 હજારમાં ખરીધ્યા હતા.


તેમાંથી શરૂઆતમાં રૂ. 2.50 લાખના મધનું ઉત્પાદન મેળવ્યું હતું. જ્યારે બીજા વર્ષે 50 બોક્ષમાંથી 100 બોક્ષ તૈયાર કરી 7 ટન મધનું ઉત્પાદન કરી રૂ. 7.50 લાખ મેળવ્યા હતા. જ્યારે આ વર્ષે 350 બોક્ષ તૈયાર કર્યા છે. જેમાં એક બોક્ષમાં 10 હજાર આસપાસ મધમાખી હોય છે. જેમાં 10 દિવસે 6 કિલો મધ આપે છે. આમ 15 થી 17 ટન મધનું ઉત્પાદન થશે. જે મધ બનાસડેરીને 150 રૂપિયે કિલો આપવામાં આવે છે. આમ આ વર્ષે રૂ. 23 લાખ ઉપરાંતનો નફો મળવાની સંભાવના છે.


આ ઉપરાંત આ ઉદ્યોગ આજીવન છે તેમજ મધમાખીના બોક્ષમાં પણ વધારો થવાથી ઉત્પાદન પણ વર્ષેને વર્ષે વધતું રહેશે જેથી નફો પણ વધતો રહેશે.’ આ ઉપરાંત મડાલના હરચંદભાઇ પટેલ દ્વારા ગયા વર્ષે 20 બોક્ષ ખરીદી કર્યા હતા. જેમાંથી આ વર્ષે 100 બોક્ષ મધમાખીના તૈયાર કર્યા છે તેમજ થરાદ તાલુકાના પેપર ગામના હિરાભાઇ પટેલએ ગયા વર્ષે 10 બોક્ષ ખરીદી કર્યા હતા. જેમાંથી આ વર્ષે 50 બોક્ષ મધમાખીના તૈયાર કર્યા છે. આમ જિલ્લાના ખેડૂતો મધમાખીના વ્યવસાયમાં પણ કાઠું કાઢી રહ્યા છે.