રાજકોટ: 3 રાજ્યોમાં ભાજપના હાથમાં રહેલી સત્તા સરકી ગઈ છે. જેને લઈને ભાજપના નેતાઓ મંથન કરશે..ભાજપના નેતાઓ આ હાર માટે ભલે ગમે તે કારણ ગણાવે પરંતુ પોતાના પોતાના આક્રમક વલણ માટે જાણીતી રેશમા પટેલે પાંચ રાજ્યોમાં થયેલી ભાજપની આ હારને અભિમાનની હાર ગણાવી છે.
 
હાર્દિક પટેલના પૂર્વ સાથી અને હાલ ભાજપના નેતા રેશમા પટેલે પોતાના પક્ષ પર પ્રહાર કર્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હાર થતા રેશમા પટેલે કહ્યું કે, આ હાર માટે ભાજપના કાર્યકર્તા તરીકે દુખ જરૂર થઈ રહ્યું છે.પરંતુ આ આત્મવિશ્વાસની નહીં, અભિમાનની હાર છે. સાથે જ તેમણે ટ્વીટર પર લખ્યું કે લોકોના આંસુઓ શાસકો માટે ખતરો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


રેશમાનું કહેવું છે કે જે પક્ષમાં હોઈએ તેની તમામ નીતિઓની વાહવાહી કરવી પડે એ ખોટી વાત છે. જો પોતાના જ પક્ષની નીતિઓ અયોગ્ય લાગે તો તેની સામે પણ અવાજ ઉઠાવવો જોઈએ. ભાજપની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવતા રેશમાએ કહ્યું કે, ભાજપમાં નીચેના કાર્યકર્તાઓની વાત ઉપર બેઠેલા નેતાઓ નથી સાંભળી રહ્યા તો કોંગ્રેસ મુક્ત કરવાના ભાજપના સૂત્રની પણ તેમણે આકરી ટીકા કરી.


રેશમા પટેલે આપેલા નિવેદન સામે  ભાજપના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે...અને રેશમાને નિવેદનમાં સંયમ રાખવાની ટકોર કરી છે. રેશમા પટેલે ભાજપની ટીકા કરી હોય એવો આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ રેશમા પટેલ પક્ષ વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી ચૂક્યા છે. ત્યારે રેશમા પટેલ સામે પ્રદેશ ભાજપની નેતાગીરી કોઈ પગલાં લેશે કે પછી ટકોર કરીને સંતોષ માની લેશે તે જોવું રહ્યું..