Loksabha Election 2024, ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપે પોતાના તમામ ઉમેદવાર ઉતારી દીધા છે. સામે કોંગ્રેસે હજુ 7 ઉમેદવાર ઉતારવાના બાકી છે. આંતરિક વિરોધ બન્ને પાર્ટીઓમાં છે. ઉમેદવારના નામથી કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ભાજપ સતત ત્રીજી વખત 26 બેઠક જીતવા માટે આગળ વધી રહ્યું છે, ભાજપે તમામ બેઠક 5 લાખથી વધુ મતોથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. તો સામે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને કંઈ નવા-જૂની કરવાના પ્રયાસ છે. 


  • 5 લાખથી વધુ મતથી જીતવાનો રેકોર્ડ રચી શકશે ભાજપ?

  • શું કોંગ્રેસ આ વખતે કંઈ નવાજૂની કરશે?

  • ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિરોધ કેટલો નડશે?

  • ભાજપ 26માંથી 26 જીતવાનો મારશે હેટ્રિક?

  • કોંગ્રેસ 2009 જેવું કરશે પુનરાવર્તન?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ અને ખાસ કરીને ગુજરાતમાં મતદારોની પેટર્ન દરેક ચૂંટણીમાં અલગ અલગ હોય છે.તેનું ઉદાહરણ આપણે ગુજરાતમાં અનેક વખત જોયું છે. 2014 લોકસભા ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ તરફી મતદાનની આંધી લાવી દીધી અને 26માંથી 26 બેઠકો આપી. પરંતુ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી હતી. આ પેટર્ન પ્રમાણે કોંગ્રેસને વિધાનસભામાં 117 બેઠક મળી શકે તેમ હતી. પરંતુ કોંગ્રેસે 77થી જ સંતોષ માનવો પડ્યો. 2019માં ફરી લોકસભામાં ભાજપને 26માંથી મળી. જ્યારે 2022ની વિધાનસભામાં ભાજપે 156 બેઠક જીતી રેકોર્ડ સર્જ્યો. આ વખતે ભાજપે 5 લાખથી વધારે લીડનો નિર્ધાર રાખ્યો છે. 


આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ઘણી જ એક્ટિવ જોવા મળી રહી છે. ભાજપમાં જેટલો આંતરિક વિરોધ જોવા મળ્યો તેટલો વિરોધ કોંગ્રેસમાં નથી દેખાઈ રહ્યો. તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરતાં 26માંથી 4 બેઠક પર લડાયક જંગ જોવા મળી રહ્યો છે. જેમાં પાટણમાં કોંગ્રેસ અને આપના કુલ મત ગણીએ તો 6 લાખ 364 હજાર 483 થાય છે. ભાજપને 6 લાખ 3 હજાર 655 મત મળ્યા હતા...એટલે કે કોંગ્રેસ આપના ગઠબંધનને ભાજપ કરતાં 40 હજાર 828 મત વધુ મળ્યા હતા. 


તો જુનાગઢ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત 5 લાખ 49 હજાર 150 મળ્યા હતા. તો ભાજપને 5 લાખ 15 હજાર 998 મત મળ્યા હતા. એટલે કે ગઠબંધનના કુલ મત ભાજપ કરતાં 33 હજાર 152 વધુ થયા હતા. તો અમરેલી અને જામનગર પર પણ કોંગ્રેસ-આપના મત અને ભાજપના મત વચ્ચે નજીવું અંતર છે. જેના કારણે આ વખતની ચૂંટણી રોચક બની શકે છે. 


ગઠબંધનથી થશે કોંગ્રેસને ફાયદો? 


  • પાટણમાં કોંગ્રેસ અને AAPના કુલ મત 6 લાખ 364 હજાર 483

  • ભાજપને પાટણમાં 6 લાખ 3 હજાર 655 મત મળ્યા હતા

  • કોંગ્રેસ-AAPને ભાજપ કરતાં 40 હજાર 828 મત વધુ મળ્યા હતા

  • જુનાગઢમાં કોંગ્રેસ-AAPના કુલ મત 5 લાખ 49 હજાર 150

  • ભાજપને જૂનાગઢમાં 5 લાખ 15 હજાર 998 મત મળ્યા હતા

  • ગઠબંધનના કુલ મત ભાજપ કરતાં 33 હજાર 152 વધુ

  • અમરેલી અને જામનગર પર ગઠબંધન અને ભાજપ વચ્ચે નજીવું અંતર


ગુજરાતમાં આ વખતે ચૂંટણી ખુબ જ રોચક લાગી રહી છે. ભાજપે આ વખતે પહેલી વખત પોતાના બે ઉમેદવાર બદલવા પડ્યા. જો કે હજુ પણ કેટલીક બેઠક પર ભાજપે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 5 લાખથી વધુ મતથી જીતના દાવા કરતી ભાજપે હાલ મંથન કરવાની જરૂર પડી રહી છે. તો સતત બે ટર્મથી ખાતુ ખોલાવા માટે મથતી કોંગ્રેસ દિલ્લી પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે રેકોર્ડ રચાય છે કે પછી કોંગ્રેસ કંઈક નવું કરે છે?