Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાના નિવેદન પછી શરૂ થયેલા વિવાદે હવે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર લડાઈ શરૂ કરાવી દીધી છે. રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે. ત્યારે સંકલન સમિતિ પર અનેક આક્ષેપો લાગ્યા છે. રૂપાલા સામે સૌથી પહેલા ખુલ્લીને બહાર આવેલા પદ્મિનીબા વાળાએ ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે ઉઠ્યા સવાલ
પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલો વિવાદ અસ્મિતાની લડાઈ બની ગયો. ક્ષત્રિયોએ ભાજપ સામે આકરો વિરોધ શરૂ કર્યો. ગામ ગામ ભાજપની સભાઓ અને કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના યુવાઓ વિરોધ કરે છે. વિરોધના આ વંટોલ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા મહારાજાઓ પર વિવાદીત નિવેદન આપ્યું પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિએ ખુલ્લીને રાહુલ અને ઉમેશ મકવાણાનો વિરોધ ન કર્યો. વિરોધ માત્ર ભાજપ પુરતો જ સમિત રાખ્યો. જેના કારણે સંકલન સમિતિ સામે હવે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. રૂપાલા સામે આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે સમાજને ગુમરાહ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. 


આંદોલનનો ચહેરો બનેલા પદ્મિનીબાના વેધક સવાલ
રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિયોમાં એક્તાના દર્શન થયા હતા. એવું લાગતું હતું કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો છે. પરંતુ ત્યારપછી રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાનું જે નિવેદન આવ્યું. અને આ નિવેદન પર સંકલન સમિતિએ કોઈ સ્ટેન્ડ ન લીધું તેના કારણે સંકલન સમિતિ કોંગ્રેસનો હાથો બનીને કામ કરતી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અને આક્ષેપ ખુદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ લગાવ્યો છે. 


પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિના આગેવાનો પર ટિકિટ લેવા માટે સમાજને ગુમરાહ કર્યાનો આરોપ લગાવ્યો છે. સાથે ભાજપનું સમર્થન કરતાં સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યો કે વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? પદ્મિનીબાના સંકલન સમિતિ સામે આવેલા આક્રમક નિવેદનથી ગુજરાતનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. તો પ્રધાનમંત્રી મોદી પણ પહેલી મેથી ગુજરાત આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં જનસભાઓ ગજવવાના છે. પ્રધાનમંત્રીની સભા કે પછી મતદાનના દિવસે કેટલાક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી શકે છે તેવા આગાહી ક્ષત્રિય અગ્રણીએ કરી છે. 


'સમિતિ તમામ નેતાઓનો કેમ નથી કરતી વિરોધ?
એક તરફ ક્ષત્રિય સંકલન સમિતિ સામે આક્ષેપોનો મારો થઈ રહ્યો છે. બીજી તરફ સંકલન સમિતિએ ભાજપ વિરુદ્ધ મતદાન માટે પોતાના ધર્મરથો શરૂ કરી દીધા છે. નર્મદાના રાજપીપળાથી પણ ક્ષત્રિયોના ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ રથ નર્મદા અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ફરી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયો પોતાના મનનું માનીને મતદાન કરે છે કે પછી સંકલન સમિતિના દોરી સંચાર નીચે મતદાન કરે છે?. ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોઓનું આ આંદોલન કેટલી અસર કરી શકે છે તે જોવું રહ્યું. 


હવે સંકલન સમિતિ લોકશાહી ઢબે કરશે વિરોધ
ગુજરાત રાજ્યના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા આંદોલન છેલ્લા ઘણા દિવસથી ખૂબ જ શાંતિપૂર્વક અને સ્વયં શિસ્ત સાથે ચાલી રહ્યું છે જેની નોંધ દેશભરમાં લેવાય છે આપણું નારી શક્તિના સ્વાભિમાન માટેનો આંદોલન અહિંસક અને કોઈપણ પ્રકારના સંઘર્ષ કે ઘર્ષણ વગર મત એજ શસ્ત્ર ના ધ્યેય સાથે લોકશાહી ઢબે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતાના દર્શન સાથે ખૂબ શિસ્ત પૂર્વક આગળ વધી રહ્યું છે. પાર્ટ-2 નીતિ મુજબ બીજેપી વિરોધી મતદાનની નીતિ યથાવત છે અને બોયકોટ બીજેપી સાથે આપણે શાંતિપૂર્વક લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા આદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહવાન કરીએ છીએ અને બુથ મેનેજમેન્ટને વધુમાં મજબૂત કરીને મતદાન કરી એ મુજબની રણનીતિ યથાવત રહેશે. 


'સંકલન સમિતિ કોંગ્રેસની બની ગઈ છે હાથો?
સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલ ચર્ચા - વિચારણા મુજબ હાલમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તે માટે સભા તેમજ રેલીઓ ચાલુ રહેશે આવા સમયે ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિત શત્રુઓ રાજકીય હિત ધરાવતા વ્યક્તિઓ પોતાનો કોઈ બદઈરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીયાળો કરે એવી ભીતિ સેવાય રહી છે ત્યારે વડાપ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમજ તેઓની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય તેવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે હવે કોઈ ચૂંટણી સભાઓ, રેલીઓ તથા સમેલનો જેવા કાર્યક્રમ સ્થળોએ વિરોધથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા સમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે 100% મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ અને શાંતિ અને ધૈર્યપૂર્વકની જવાબદારીના કામમાં ધ્યાન કેન્દ્રિત કરીને સર્વ ક્ષત્રિય સમાજની સંસ્કારીતા અને શિસ્તના દર્શન કરાવીએ તેવી સૌને વિનંતી છે. જય માતાજી. રમજુભા જાડેજા- મુખ્ય સંકલનકર્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય-રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે શાંતિ જાળવવા અપીલ કરી છે. 


વાતાવરણ ન ડહોળાઇ તેની તકેદારી રાખવા સૂચના
વાંકાનેરના અખિલ રાજપૂત યુવા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કોઇ કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. સાથે જ લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને ૭ તારીખ સુધી આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી. જામનગર, મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરતો પત્ર ફરતો કરાયો છે. કોઇ અન્ય વ્યક્તિ આંદોલનને ગેરમાર્ગે ન દોરી જાય તે માટે સજાગ રહેવા અને વાતાવરણ ન ડહોળાઇ તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.