ચેતન પટેલ/સુરત : જ્યારે પણ સૈનિકો અને અર્ધસૈનિક દળ પર હુમલાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે દેશના લોકોમા દેશભક્તિ અચાનક જાગૃત થઇ જતી હોય છે. પરંતુ ઘટનાના થોડા દિવસ બાદ લોકો શહીદોની શહાદતને ભૂલી જતા હોય છે. ત્યારે સુરતમા એક વ્યકિત એવા છે કે જે દરરોજ આ શહીદોને યાદ કરે છે. ન માત્ર યાદ કરે છે પરંતુ તેના પરિવારને પોસ્ટકાર્ડ લખી તેમના ખબર-અંતર પણ પૂછે છે. આ વ્યક્તિ પાસે અત્યાર સુધી શહીદ થયેલા તમામ સૈનિકોના ડેટા પણ છે. એક સિક્યુરિટી ગાર્ડનું કામ કરતા આ વ્યક્તિ ભલે આર્થિક રીતે નબળા છે, પરંતુ તેના દિલમા શહીદો અને દેશ માટેની દેશભક્તિ સલામીને લાયક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાન શહીદ થયા બાદ તેમના પરિવારજનો શું કરે છે, કેવી રીતે રહે છે, તેમના પુત્ર વગર તેમનું જીવન કેવી રીતે પસાર થઈ રહ્યુ છે તે અંગે જાણવાની કોઇને ઇચ્છા થતી નથી. જોકે સુરતમા રહેતા 40 વર્ષીય જિતેન્દ્રસિંહ આ તમામ શહીદોને રોજેરોજ યાદ કરે છે અને તેમના પરિવારજનોને પત્ર પણ લખે છે. મૂળ રાજસ્થાનના અને હાલ સુરતમા રહેતા જિતેન્દ્રસિંહ સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 1999માં તેઓ રાજસ્થાનમાં રહેતા હતા. તે દરમિયાન કારગીલ યુધ્ધમાં અનેક જવાન શહીદ થઇ ગયા હતા. દરમિયાન એક જવાન શહીદ થઇ ગયો હતો. ત્યારે તેઓ મૃતક જવાનના ઘરે ખબર અંતર પૂછવા ગયા હતા. અંતિમવિધિ બાદ એક પોસ્ટમેન શહીદ જવાને પોતાના પરિવારને લખેલો પત્ર લઇને ત્યાં આવ્યો હતો. જેમાં શહીદ જવાને લખ્યું હતું કે, ‘હું યુદ્ધમાં નથી ગયો. હું અહી સારો છું. તમારી તબિયત કેમ છે.’ આ સાંભળીને જ શહીદ જવાનના પરિવારજનો રડવા લાગ્યા હતા. પણ આ જોઈને જિતેન્દ્રસિંહના દિલમાં પણ દેશભક્તિની ભાવના જાગી ઉઠી હતી. 


ત્યારથી જિતેન્દ્રસિંહ શહીદોના પરિવારજનોને પોસ્ટકાર્ડ લખી ખબર અંતર પુછવાનુ નક્કી કરી લીધુ હતું. બસ, હવે જિતેન્દ્રસિંહે મૃતકના પરિવારજનોના એડ્રેસ શોધવાનું શરૂ કર્યું હતું અને તેમને પોસ્ટકાર્ડ લખી ખબર અંતર પૂછવાનું પણ શરૂ ક્યું. ધીરે ધીરે આ સિલસિલો ચાલુ રહ્યો. 20 વર્ષ સુધી આ રીતે 41 હજાર શહીદોના પરિવારજનોને તેઓએ પત્ર લખ્યા છે. 200 એવા પરિવારજનો છે, જેમના ઘરે રુબરુ જઇ ખબર અંતર પૂછવા ગયા હતા. એટલું જ નહિ, તેઓ શહીદ જવાનના માતા-પિતાની પગની માટી પણ પોતાની સાથે લઇ આવે છે. 


કેટલીક વાર શહીદોના પરિવારજનો તેમને પુષ્ણ તિથિ નિમિત્તે તેઓને ઘરે બોલાવતા હોય છે. જો કે ત્યા જવાના તેમની પાસે રૂપિયા પણ નથી હોતા. એક વાર તેઓની પાસે રૂપિયા ન હતાં, છતાં શહીદોના પરિવારને મળવા માટે ટિકિટ વગર ટ્રેનમાં બેસી ગયા હતા. જ્યા ટીટીએ તેમને પકડી એક દિવસ જેલમાં મોકલી દીધા હતા. જિતેન્દ્રસિંહની આવી દેશભક્તિ જોઇ કેટલાક તેમને ગાંડો પણ ગણે છે. જો કે દેશ માટે સાચો પ્રેમ ધરાવનાર જિતેન્દ્રસિહને પોતાને કોણ શુ કહે છે તેમને પડી નથી.