મોટા સમાચાર: અમદાવાદમાં આ વર્ષે નહિ થાય છઠ પૂજાનું આયોજન
દર વર્ષે અમદાવાદના સાબરમતીનદીના કિનારે છઠ પૂજાની ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ કંઇક અલગ છે.
અમિત રાજપૂત, અમદાવાદ: ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્ત્વ છઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સુર્યની પૂજા કરે છે. ગુજરાતમાં ખાસકરીને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉત્તર ભારતીય સમુદાયના લોકો વસવાટ કરે છે. દરવર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ધામધૂમથી છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે અમદાવાદના સાબરમતીનદીના કિનારે છઠ પૂજાની ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ કંઇક અલગ છે. કોરોનાના લીધે છઠ પૂજાનું આયોજન કરવામાં નહી આવે. આ અંગે છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે અમદાવાદના ઇન્દીરા બ્રીજ પાસે છઠપૂજા ઘાટ ખાતે આયોજન થયું હોય છે પરંતુ આ વખતે તમામ ઉત્તર ભારતીય અને બિહારી નાગરિકોને છઠ પૂજા ઘરમાં રહીને કરવાની અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી છઠપર્વની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન મહિલાઓ દ્વારા 3 દિવસ ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસના લીધે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. ત્યારે ઘાટ પર આવેલા કુંડમાં પાણીમાં સંક્રમિત વ્યક્તિ ઉતરે તો બધાને ચેપ લાગવાનો ભય વધુ રહે છે. જેથી આ વખતે છઠ મહાપર્વ સમન્વય સમિતિ દ્વારા છઠ પૂજાનું આયોજન રદ કરવા અંગેની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube