આ યુવકનો પક્ષીઓ પ્રત્યે `જબરો પ્રેમ`; વેસ્ટમાંથી બનાવી ખાસ વસ્તુ, આ રીતે થશે ઉપયોગી
કચ્છના મોટી રાયણ ગામના પક્ષીપ્રેમી યુવાનોએ અગાઉ પણ પક્ષીઓ માટે નવરાત્રી દરમિયાન નવમા નોરતે માતાજીના ગરબા તળાવમાં તાર્યાં બાદ કિનારેથી એકત્રિત કરી તેમાં બાઈડીંગ તારની મદદથી પક્ષીઓ માટે ઘર બનાવ્યા હતા તે જોઈને પણ અન્ય લોકોએ પ્રેરણા લીધી હતી.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: આજે લોકો પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને ગમે ત્યાં ફેંકી દે છે અને પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે ત્યારે કચ્છના મોટી રાયણ ગામના યુવાનોએ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પક્ષીઓ માટે બર્ડ ફીડર બનાવ્યું છે અને પ્લાસ્ટિકની બોટલનો સદ્દઉપયોગ કરી રહ્યા છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોટી રાયણ ગામના યુવા મિત્રો લક્ષ્મણ ગઢવી, વિશાલ ગઢવી, ભરત ગઢવી, મુકુંદ ગઢવી, નિર્ભય ગઢવી, આનંદ ગઢવી, હરેશ ગઢવી, ખુશાલ ગઢવીએ ભેગા મળીને કચરામાં કે રસ્તા પર ફેંકી દીધેલી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાંથી પર્યાવરણ ઉપયોગી તેમજ પક્ષીઓ માટે ઉપયોગી બને તે માટે એક અનોખી પહેલ કરી છે. વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો ગામમાંથી એકત્રિત કરીને પક્ષીઓને ચણ મળી રહે તે માટે બર્ડ ફીડર બનાવીને ઝાડ પર બાંધવામાં આવ્યા છે. આ પ્રેરણાદાયી કામથી પર્યાવરણનું રક્ષણ તો થાય જ છે સાથે સાથે પક્ષીઓને પણ નિયમિત ચણ મળી રહે છે.
કચ્છના મોટી રાયણ ગામના પક્ષીપ્રેમી યુવાનોએ અગાઉ પણ પક્ષીઓ માટે નવરાત્રી દરમિયાન નવમા નોરતે માતાજીના ગરબા તળાવમાં તાર્યાં બાદ કિનારેથી એકત્રિત કરી તેમાં બાઈડીંગ તારની મદદથી પક્ષીઓ માટે ઘર બનાવ્યા હતા તે જોઈને પણ અન્ય લોકોએ પ્રેરણા લીધી હતી તો ત્યાર બાદ હવે ગામમાંથી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરીને એક વધુ નવતર પ્રયોગ કર્યો છે અને પ્લાસ્ટિકની બોટલોમાં નીચે એક આંટા વાળી પ્લાસ્ટિકની પ્લેટ ફિક્સ કરી બોટલમાં બે કાણા કરીને બાઈડીંગ તારની મદદથી વૃક્ષો પર બાંધીને તેને પક્ષીઓના ચણ ખાવા માટે બર્ડ ફીડરમાં પરિવર્તિત કર્યા છે.
લક્ષ્મણ ગઢવીએ Zee મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,નવરાત્રી સમયે ગરબામાંથી પક્ષી ઘર બનાવ્યા હતા જેમાં સારો એવો લોકોનો પ્રતિસાદ મળ્યો ત્યાર બાદ ગામના વડીલ દ્વારા પ્લાસ્ટિકની બોટલના સદુપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી સાથી મિત્રોએ સાથે મળીને કુલ 50 જેટલા વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાંથી બર્ડ ફીડર બનાવ્યું છે.જેમાં નીચેની પ્લાસ્ટિકની ડીશ કુકમા ગામની સેવાભાવી સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી છે.
ગામના સ્મશાનમાં આવેલ વૃક્ષો પર બાંધ્યા બર્ડ ફીડર
લક્ષ્મણ ગઢવી અને તેના મિત્રો દ્વારા તેમના ગામના સ્મશાનમાં આવેલા વૃક્ષો પર તેમજ મિત્રવર્તુળના ઘરોમાં વૃક્ષો પર બર્ડ ફીડર બાંધીને પક્ષીઓ માટે ચણનું સ્ત્રોત ઉભુ કરવામાં આવ્યું છે. આ બર્ડ ફીડરમાં એક વખતમાં યુવાનો બાજરો, ચોખા અને જુવાર ભરે છે જેમાં પક્ષીઓ જેમ જેમ ચણ ખાતા જાય છે તેમ તેમ બોટલમાંથી ધીરે ધીરે ચણ નીચે ડિશમાં આવતું જાય છે અને અંદાજિત 5થી 6 દિવસ સુધી આ ચણ ચાલે છે અને ત્યાર બાદ ફરી યુવાનો ભેગા મળીને ચણ પાછું ભરે છે.તો સાથે 50 જેટલા પક્ષી ઘર અને 50 જેટલા પાણીના કુંડા પણ વૃક્ષો પર લટકાવવામાં આવ્યા છે.
અન્ય લોકો માટે ગામના યુવાનો પ્રેરણાસ્રોત
ગામના સ્થાનિક યુવાન ભરત ગઢવીએ જણાવ્યું હતું કે ગામના યુવાનોએ ગરબમાંથી પક્ષીઘર તેમજ પ્લાસ્ટિકની બોટલમાંથી બર્ડ ફીડર બનાવીને ન માત્ર પર્યાવરણનું જતન કર્યું છે પરંતુ પક્ષીઓ માટે ચણ અને પાણીની સુવિધા પણ ઊભી કરી છે.જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.આ ઉપરાંત જો બધા લોકો આ રીતે વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોમાંથી બર્ડ ફીડર બનાવવાની પહેલ અપનાવે તો અનેક પક્ષીઓને ચણ ખાવા માટે સ્ત્રોત મળી શકે છે અને એક પુણ્યનું કામ પણ થઈ શકે છે. આમ લક્ષ્મણભાઈ અને તેમના સાથી મિત્રોએ કરેલ આ અનોખી પહેલ લોકોને પક્ષીઓ તેમજ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.