અમદાવાદ :ગુજરાત માટે રવિવારે ફરી એકવાર ગોઝારો સાબિત થયો છે. રવિવારે રાતે 12 ના ટકોરાથી લઈને સવાર સુધીમાં ત્રણ અલગ અલગ શહેરોમાં ત્રણ અકસ્માત થયા છે. જેમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે, તો એકની હાલત ગંભીર છે. મહીસાગરમાં અકસ્માતમાં 4 ના મોત, અમદાવાદમાં 2 ના મોત અને પાદરાના જંબુસરમાં અકસ્માતમાં એકનુ મોત નિપજ્યુ છે. કુલ 7 લોકોના મોતથી રવિવારની સવાર રક્તરંજિત બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહીસાગરમાં અકસ્માતમાં 4 ના મોત
લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે બાઈક પર સવાર પિતા માતા અને બે બાળકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બે બાળકો સહિત માતા અને પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. બાઇક પર સવાર એક જ પરિવાર ના 4 સભ્યોના ઘટના સ્થળે મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી.



અકસ્માત થતાં લઘુમતી કોમના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેના બાદ મામલો વધુ બિચક્યો હતો. આ કારણે દૂર દૂર સુધી મધ્ય રાત્રિએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. તો મહીસાગર પોલીસનો મોટો કાફલાને પણ ટ્રાફિકને પગલે દોડતા થવુ પડ્યુ હતું. નાયબ જિલ્લા પોલીસ વડા, એસઓજી, એલસીબી સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે મામલો  થાળે પાડ્યો હતો. 



અમદાવાદમાં અકસ્માતમાં દંપતીનુ મોત 
અમદાવાદના સોલા બ્રીજ ઉપર રાતના અંધારામાં ઘરે પરત ફરતા દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં દંપતીનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. ચાંદખેડાના રહેવાસી દંપતી દ્વારકેશભાઈ અને તેમના પત્ની જુલીબેન ટુવ્હીલર ઘરે આવવા નીકળ્યા હતા. સોલા બ્રિજ પર એક સ્વીફ્ટ કારે તેમની ગાડીને ટક્કર મારીહ તી. જેમાં દંપતી બ્રિજથી નીચે પટકાયુ હતું. સોલા સિવિલમાં દંપતીને સારવાર માટે ખસેડાયા હતા, બંનેના કરુણ મોત નિપજ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. 



પાદરામાં એકનુ મોત
પાદરાના જંબુસર રોડ પર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકોનું કચ્ચરધાણ નીકળી ગયુ હતું. આ ઘટનામાં એકનું મોત નિપજ્યુ છે, તો એકની હાલત ગંભીર છે. ઘટનાને પગલે વડું પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી.