સિંહ દર્શન માટે ગ્રાહકો શોધતા ત્રણ પકડાયા, ગીર જંગલની બહાર મારતા હતા આંટાફેરા
તલાલા પંથકના ગીર જંગલમાં સિંહ દર્શન માટે આંટાફેરા કરતા ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લઈ દંડ કર્યો
કૌશલ જોશી/તલાલા :ગુજરાતનું ગીર જંગલ એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર વસવાટ છે. અહી સિંહ દર્શન માટે સિંહ સફારીની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેઓ ગેરકાયદેસર રીતે સિંહદર્શન કરાવે છે, અને તેની પાછળ લાખો ખર્ચનારા લોકો પણ છે. ત્યારે તાલાલા પંથકના ગીર જંગલમાં સિંહ દર્શન માટે આંટાફેરા કરતા ત્રણ શખ્સોને વનવિભાગના સ્ટાફે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી નિયમોનુસાર 45 હજારનો દંડ વસુલ્યો છે.
આણંદના બે અને સ્થાનિક એક શખ્સએ જંગલમાં જવાની કોઈ પરવાનગી લીધી ન હોવાથી વન વિભાગ દ્વારા ત્રણેય સામે કાર્યવાહી કરાઈ છે. વન વિભાગના સ્ટાફે રાત્રી દરમ્યાન પેટ્રોલીંગ દરમ્યાન ત્રણેયને જંગલ વિસ્તારમાંથી ઝડપી લેતા અન્ય પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : ગ્રીષ્માની જેમ જ થઈ વડોદરાની તૃષા સોલંકીની હત્યા, ફેનિલની જેમ કલ્પેશે ધારિયાથી રહેંસી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના જંગલમાં સિંહ દર્શન માટે ગયેલા આણંદના બે અને સુરવા ગીરનો એક સ્થાનિક મળી ત્રણ શખ્સોને વનવિભાગના સ્ટાફે રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન આંટાફેરા કરતા ઝડપી લીધા હતા. વનવિભાગ દ્વારા ત્રણેય શખ્સો પાસેથી નિયમોનુસાર રૂ.45 હજારના દંડની વસુલાત પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના પગલે અન્ય પ્રવાસીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જિલ્લાના તાલાલા ગીર તાલુકાના સુરવા ગીર ગામ નજીકના પી.એફ.ના જંગલ વિસ્તારમાં આર.એફ.ઓ. બિમલ ભટ્ટ તથા ફોરેસ્ટર સ્ટાફ્ના પી.એન.બાકુ તથા વાળાભાઈ રાત્રિ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમ્યાન મોડી રાત્રિના સિંહ દર્શન માટે પી.એફ. જંગલમાં આંટાફેરા કરતા રોહન પ્રવીણભાઈ પરીખ તથા પ્રવીણ નગીનદાસ પરીખ (બંન્ને રહે. આણંદ) તથા બ્લોચ આસિફ મુસ્તાક (રે.સુરવા ગીર તા.તાલાલા) નજરે પડ્યા હતા. જેથી ત્રણેય શખ્સોને જંગલમાંથી પકડી પાડી જંગલમાં જવાની મંજુરી રજૂ કરવા જણાવ્યું હતુ. જે તેઓ પાસેથી ન હોવાથી વનવિભાગના સ્ટાફ સિંહ દર્શન માટે જંગલમાં ધુસેલ ત્રણેય શખ્સો પાસેથી વનવિભાગના કાયદા મુજબ રૂ.45 હજારનો દંડ વસુલ કર્યો હતો. વનવિભાગની કડક કાર્યવાહીથી તાલાલા ગીર પંથકમાં આવતા પ્રવાસીઓ તથા ગ્રામીણ પ્રજામાં ફફડાટ ફ્લાયો છે.