પંચમહાલના ભોળા દર્દીઓને લૂંટતા બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, 5 દિવસમાં 6 પકડાયા
- કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલમાં બોગસ તબીબ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ગોધરામાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતાં વધુ ત્રણ તબીબ સામે એસઓજીએ કાર્યવાહી કરી છે. છેલ્લાં પાંચ દિવસમાં જિલ્લામાથી કુલ 6 બોગસ તબીબ ઝડપાયા છે.
પંચમહાલમાં મેડિકલ ઓફિસરને સાથે રાખીને એસઓજીની ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં ગોધરા બી ડિવીઝન પોલીસ મથકે સાદીક મહંમદ મલા, સૂફીયાન વાઢેલ અને ઉવેશ સદામસ સામે પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. સૂફીયાન અને ઉવેશ બંને એક જ દવાખાનામાં પ્રેક્ટિસ કરતાં હતાં. દવાખાનામાંથી પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળી કુલ 88 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ તબીબો પાસે એલોપેથી દવા સારવાર માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હતી. આમ, પાંચ દિવસમાં જિલ્લામાંથી કુલ 6 બોગસ તબીબ ઝડપાયા છે.
આ પણ વાંચો : ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહિ, ગુજરાત સરકાર જલ્દી લઈ શકે છે આ નિર્ણય
પંચમહાલ જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતના આ છેવાડાના જિલ્લામાંથી સતત ઝોલાછાપ ડોક્ટરો મળી રહ્યાં છે. 6 દિવસ પહેલા એસઓજી ટીમે કાલોલના એરાલમાંથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી હતી. ત્યારે ગઈકાલે એકવાર આ વિસ્તારમાંથી લેભાગુ તબીબ પકડાયો હતો, જે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને છેતરીને તેમની સારવાર કરતા હતા. સતત વધી રહેલા આ કિસ્સાઓ પરથી સમજી શકાય છે કે, બોગસ તબીબો ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારમાં પોતાની હાટડીઓ ખોલીને બેસી જાય છે. જેમાં ગ્રામ્ય લોકો ફસાય છે.
આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે સહાય પેકેજ જાહેર કર્યું
ડીજીપીએ લેભાગુ તબીબોને શોધવા આદેશ આપ્યો હતો
કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ હતું. જેના બાદ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરી સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવતું હોવાનું ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાર પર આવ્યું હતું. જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો.