અમદાવાદ તોડફોડ કેસમાં યુવકે જ પિતરાઈ ભાઈને મારવા મોકલ્યા 8 લોકો, ત્રણ ઇસમોની કરી ધરપકડ
શાહીબાગમાં હોળી ચકલા પાસે આઠ જેટલા વાહનોમાં તોડફોડ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરનારા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે અંગત અદાવતમાં યુવકે પોતાના જ પિતરાઈ ભાઈને મારવા માટે 8 લોકોને મોકલ્યા હતા
ઉદય રંજન/ અમદાવાદ: શાહીબાગમાં હોળી ચકલા પાસે આઠ જેટલા વાહનોમાં તોડફોડ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરનારા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે અંગત અદાવતમાં યુવકે પોતાના જ પિતરાઈ ભાઈને મારવા માટે 8 લોકોને મોકલ્યા હતા. જો કે, યુવક ન મળતા તેના ઘરની આસપાસમાં ઉભા વાહનોમાં તોડફોડ કરી હોવાનું ખુલ્યું છે.
તસવીરમાં દેખાતા યુવકોના નામ છે પ્રદીપ ઉર્ફે પંકજ અને જીગ્નેશ ઉર્ફે જીગો. આ બંને યુવકોની ઉંમર ભલે નાની દેખાતી હોય પણ તેઓની ગુનાહિત પ્રવૃત્તિ ઘણી મોટી છે. 19 મી જૂને રાતના સમયે શાહીબાગના હોળી ચકલા પાસે આ યુવકોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને અનેક વાહનોમાં તોડફોડ કરી લોકોમાં ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં શાહીબાગ પોલીસે બે જ્યારે મેઘાણીનગર પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:- અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદી કર્યો આપઘાત, સ્યુસાઈટ નોંટમાં લખ્યું- પરિવારની માફી માંગુ છું
આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરતા સામે આવ્યું હતું કે પ્રદીપ નામના આરોપીને પોતાના પિતરાઈ ભાઈ ટાઇગર સાથે પારિવારિક ઝઘડો ચાલતો હતો. જેથી પ્રદીપે પોતાના 8 મિત્રોને હથિયાર સાથે ટાઈગરના ઘરે જઈને માર મારવાનું કહ્યું હતું. જેથી તમામ આરોપીઓ હાથમાં દંડા, તલવાર અને લાકડીઓ લઈને હોળી ચકલા પાસે ટાઈગરના ઘરે ગયા હતા. જોકે ટાઈગર ઘરે ન મળતા તેના ઘરે ભયનો માહોલ ઉભો કરવા માટે આસપાસ ઉભેલા 8 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ શખ્સો ચાઈના ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સ્થાનિકો માની રહ્યા હતા.
આ પણ વાંચો:- વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો ચેતી જજો, વધુ લાલચ પડી શકે છે મોંઘી
જોકે પોલીસ તપાસમાં ચાઈના ગેંગ સાથે આ આરોપીઓનું કોઈ કનેક્શન ન હોવાનું ખુલ્યું છે. હાલતો આ મામલે શાહીબાગ અને મેઘાણીનગર બે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે અન્ય ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વિસ્તારમાં ભય ફેલાવનાર ગેંગ પોલીસના હાથે લાગતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube