નડિયાદમાં ત્રણ માળનો આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં રહીશો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
રાહત-બચાવની કામગીરી જોરમાં, ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના
નડિયાદઃ નડિયાદમાં આવેલા પ્રગતિનગરમાં ત્રણ માળનો એક આખો ફ્લેટ ધરાશાયી થઈ જતાં ફ્લેટમાં રહેતા લોકો દટાઈ ગયાની આશંકા છે. હાલ રાહ-બચાવની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ફાયરબ્રિગેડની ગાડીઓ રવાના થઈ ગઈ છે. બે લોકોને હાલ રેસ્ક્યુ કરાવી લેવાયા છે. બાકીના લોકો ક્યાં દટાયા છે તેની કોઈ જાણ નથી. રાહત-બચાવ માટે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાથી ફાયરબ્રિગેડની વધુ ટીમો બોલાવાઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન આખી રાત ચાલે તેવી સંભાવના છે. સ્થાનિક વ્યક્તિના જણાવ્યા મુજબ હજુ 7 લોકો કાટમાળ હેઠળ દટાયેલા છે.
ત્રણ ફ્લેટમાં પાંચ પરિવાર રહેતા હતા અને 10થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને તાત્કાલિક ધોરણે જેસીબી મશીનથી મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ આ અંગે જણાવ્યું કે, તેમને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ફાયરબ્રિગેડ, જેસીબી અને પોલીસ તંત્રની ટીમને લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોતે જ બે ફસાયેલા વ્યક્તિને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં દવાખાને મોકલી આપ્યા છે. હજુ બીજા 10 જેટલા લોકો દબાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જેસીબીથી કાટમાળ ખસેડવામાં દટાયેલા લોકોને નુકસાન પહોંચે તેવી સંભાવના છે. લોકો કઈ જગ્યાએ દટાયેલા છે તેની હાલ તંત્રને કોઈ જાણ નથી, જેથી બચાવ કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. રાહત-બચાવ માટે અમદાવાદ અને વડોદરાથી વધુ ટીમો બોલાવાઈ છે.
જેસીબીથી કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન કાટમાળ વધુને વધુ નીચે ખસતો જતો હોવાના કારણે હાલ પુરતી બચાવ કામગીરી અટકાવી દેવાઈ છે. રાહત-બચાવની કામગીરી શરૂ થવામાં વધુ સમય લાગે એમ છે.
પ્રગતિનગરમાં 10 જેટલા ફ્લેટ છે અને તે 20 વર્ષ જૂના છે. જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયા હોવાના કારણે અહીં રહેતા લોકોને તંત્ર દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી હતી. ભારે વરસાદના કારણે આ ફ્લેટના પાયા જમીનમાં ઉતરી જતાં આ ફ્લેટ ધરાશાયી થયો હતો.
જૂઓ LIVE TV....