હવે ઘરમાં પણ સૂર્યપ્રકાશ કે જમીન વિના ઉગાડી શકાશે શાકભાજી; ગુજરાતની ત્રણ વિદ્યાર્થીનીઓએ બનાવ્યો સફળ પ્રોજેક્ટ
વલ્લભવિદ્યાનગર હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી માત્ર પાણીથી શાકભાજી અને ફળનું ઉત્પાદન કરી શકાય તેવો સફળ પ્રોજેકટ બનાવ્યો હતો. કોલેજમાં જ આ ટેક્નોલોજીથી પ્લાન્ટ ઉભો કર્યો છે, સામાન્ય લોકો પણ આ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાનાં ધરની અગાસી ઉપર અથવા તો ધરમાં જ જગ્યા પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડી શકે છે.
બુરહાન પઠાણ/આણંદ: હવે ધરમાં પણ સૂર્યપ્રકાસ કે જમીન વિના પણ શાકભાજી ઉગાડી શકાય છે અને ધરે ઉગાડેલા પોષક તત્વોથી ભરપુર શાકભાજી ખાઈ શકાશે. જી હા...આણંદનાં વલ્લભવિદ્યાનગરની વી.પી સાયન્સ કોલેજનાં બોટની વિભાગની ત્રણ વિદ્યાર્થીનીઓએ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ આ સફળ પ્રોજેકટ બનાવ્યો છે, જેમાં પાણીનો પણ ઓછો ઉપયોગ થાય અને શાકભાજીનું ઉત્પાદન પણ સારૂ મળે છે.
શાકભાજી અને ફળનું વાવેતર
જમીન કે માટી વિના પણ શાકભાજી અને ફળ ઘેરબેઠા ઉગાડી શકાય છે. વલ્લભવિદ્યાનગર હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી માત્ર પાણીથી શાકભાજી અને ફળનું ઉત્પાદન કરી શકાય તેવો સફળ પ્રોજેકટ બનાવ્યો હતો. કોલેજમાં જ આ ટેક્નોલોજીથી પ્લાન્ટ ઉભો કર્યો છે, સામાન્ય લોકો પણ આ હાઈડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાનાં ધરની અગાસી ઉપર અથવા તો ધરમાં જ જગ્યા પ્રમાણે શાકભાજી અને ફળ ઉગાડી શકે છે. હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી વાવેતર કરવાથી જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ વધારે મળે છે, હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજીની મદદથી ઘરઆંગણે જ ટમેટાં, રીંગણા, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલા, દૂધી, કાકડી, ફુદીનો, ધાણા પાલક સહિતના અનેક શાકભાજી અને ફળનું વાવેતર કરી તેનું ઉત્પાદન મેળવી શકાય છે.
વિશેષ સ્ટીક લાઈટો લગાડવામાં આવી
ફળ, ફૂલ અને શાકભાજી જમીનને બદલે પાણીમાં ઉગાડવાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ જમીન કરતાં માત્ર 20 ટકા પાણીની જરૂરિયાત રહે છે. ખાસ પ્રકારની પાઇપલાઇનથી સેટઅપ તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષકતત્ત્વો અને પ્લાન્ટનો નહિવત ખર્ચ થાય છે. અને ત્યારબાદ કોઈ વધારાનાં ખર્ચ વિના આ પ્લાન્ટથી આઠ થી દસ વર્ષ સુધી ઉત્પાદન મેળવી શકાય છે. આ પ્લાન્ટ ઘરની બાલ્કની, અગાસીમાં અથવા તો ધરમાં રૂમમાં કરી શકાય છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી વિદ્યાર્થીનીઓએ એક પ્લાન્ટ તૈયાર કર્યો છે, તેમજ ધરમાં સૂર્યપ્રકાસની જગ્યાએ પ્લાન્ટને યોગ્ય પ્રકાસ મળી રહે તે માટે વિશેષ સ્ટીક લાઈટો લગાડવામાં આવી છે.
ધરુંના મૂળને નાના કાણાવાળા કપમાં મૂકવામાં આવે છે..
આ સિસ્ટમમાં શાકભાજીનાં ધરું તૈયાર કરી ધરુંના મૂળને નાના કાણાવાળા કપમાં મૂકવામાં આવે છે. આડી તેમજ ઊભી પાઈપમાં કાણા પાડીને તેમાં આ કપ મૂકવામાં આવે છે. ન્યુટ્રિએન્ટ ટેન્ક નામના સાધનની મદદથી મોટર દ્વારા આ છોડને પાણી પહોંચાડવામાં આવે છે. આ ન્યુટ્રિએન્ટ ટેંકમાં બધા જ પ્રકારના ખનીજો ભેળવવામાં આવે છે. મોટરની મદદથી પાણી સતત સર્ક્યુલેટ કરતું રહે છે, જેથી છોડને જેટલું પાણી જોતું હોય, તેટલું પાણી મળતું રહે છે અને બાકીનું ટેન્કમાં પાછું આવી જાય છે. આ પ્લાન્ટમાં ઘરમાં આવતા પાણીની PH અને TDSની માત્રા અનુસાર ન્યુટ્રીશન ઉમેરવામાં આવે છે.
શાકભાજી અને સુશોભનના છોડ ઉગાડી શકાય
આ પદ્ધતિથી પાંદડાવાળા શાકભાજી અને સુશોભનના છોડ ઉગાડી શકાય છે. આ ટેન્કમાં માઈક્રો અને મેક્રો એમ બે પ્રકારના ન્યુટ્રીશન એડ કરવામાં આવે છે. આ મોડલમાં હાઇડ્રોટોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાઇડ્રોટોનને બનાવવા માટે કાદવનો ઉપયોગ કરવામાં આવે છે. કાદવને ઊંચા તાપમાન ઉપર ગરમ કર્યા બાદ પથ્થરના ફોર્મમાં ફેરવવામાં આવે છે અને તેના નાના ટુકડાઓનો માટીની જગ્યા પર ઉપયોગમાં લેવામાં આવે છે. આ હાઇડ્રોટોન વધારે ભેજ શોષવામાં મદદ કરે છે.
વિવિધ બિમારીથી બચી શકાય
વલ્લભવિદ્યાનગરની વી.પી સાયન્સ કોલેજના બોટની વિભાગના પ્રોફેસર નલિન પગીનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનિઓ કેશા શાહ, દ્રષ્ટિ કોરાલિય અને ચીનલ કનાનીએ આ પ્રોજેકટ તૈયાર કર્યો છે. આજે એક તરફ શહેરી વિસ્તારોમાં ખેતરની જમીન બિનખેતી થઇ રહી છે. વળી, શહેરી વિસ્તારોમાં પોષકતત્ત્વોવાળું અને પેસ્ટીસાઈડનાં ઉપયોગ વગરની ઓર્ગેનિક શાકભાજી અને ફળ મળવા મુશ્કેલ હોય છે. ત્યારે આ પદ્ધતિ અપનાવવામાં આવે તો ઓછા ખર્ચે, ઓછી જગ્યામાં અને પોષક તત્વોથી ભરપુર શાકભાજી મળી રહે છે. અને બિમારીથી બચી શકાય છે.
જીવ જંતુઓથી શાકભાજીનાં પાકને બચાવી શકાય
આ ટેકનીકનું નામ ન્યુટ્રીયન્ટ ફિલ્મ ટેકનીક છે,અને આ ટેકનીકમાં પેસ્ટીસાઈડનો ઉપયોગ થતો નથી,તેમજ આ શાકભાજી ફળમાં નાઈટ્રોજન,ફોસ્ફરસ,પોટેશીયમ,ઝિંક,મોલીબેલેન્ડમ,કેલ્સીયમ જેવા પોષક તત્વો પાણીમાં ઉમેરવાનાં હોય છે,તેમજ જો શાકભાજી કે ફળમાં કોઈ જંતુ લાગવાનો ભય હોય તો બાયોપેસ્ટીસાઈડનો જેમ કે કેમીકલ ફ્રી લીમડાનું તેલ, હળદર અને લસણનાં છંટકાવથી જીવ જંતુઓથી શાકભાજીનાં પાકને બચાવી શકાય છે,