Monsoon Prediction : દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે, ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ત્યારે આ વખતે કંઈક અજીબ જોવા મળ્યું છે. ટીટોડીએ વૈશાખના બદલે ફાગણમાં ઇંડા મૂક્યા છે. તો હવે શું જશે, વરસાદ વહેલો આવશે કે મોડો, ચોમાસું કેવુ જશે, વરસાદનો વરતાર કેવો હશે તે જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ સર્જાયું છે. સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઇંડા મૂકે છે. આ ઘટના બની છે ખેડા જિલ્લાના મુવાડા ગામમાં. ચાલું વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારીયાના મુવાડા ગામમાં આવેલાં ઉકરડા પર બે અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલી ફાગણમાં જ ઇંડા મૂકતાં કૂતુહલ સર્જાયું છે. આવું પહેલા ક્યારેય થયુ નથી, કે ટીટોડીએ ફાગણમાં ઈંડા મૂક્યા હોય. આવી એક નહિ, બે ઘટના બની છે. જેતપુરપાવી તાલુકાના કાજર બારીયાના મોતીપુરા ગામમાં આવેલ એક ખેતરના શેઢા પર ટોચે ટીટોડીએ ઈંડા મુક્યા છે. 


ટીટોડીના ઈંડા પરથી આગાહી
ટીટોડીના ઈંડાથી ગામ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યાનુસાર ટીટોડીએ ઇંડા વહેલાં મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે. . આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઉચે ઇંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઇંડાને સેવી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કૂતુહલવશ ટીટોડી અને તેના ઇંડાને જોવા આવે છે.


ટેકનોલોજીમાં પણ ટીટોડી પર ભરોસો 
ટીટોડી ઇંડા ક્યાં મૂકે છે તેને લઈને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઉચાઈ ઉપર ઈંડા તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઉંચાઈએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે તો જુન મહિનામાં વિધિવત ચોમાસું આવી જવાની આગાહી કરી છે. આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વરસાદ અને હવામાનની માહિતી મેળવી શકાય છે. પરતું ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.


6 ઈંડા મૂકવાનુ તારણ
જાણકારો કહે છે કે, ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જાય એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જાય. પરંતુ 6 ઈંડા મૂકે તો 6 મહિના સુધી ચોમાસું લંબાય તેવુ મનાય છે. એટલે કે ટીટોડીના 6 ઈંડા સારા સંકેત છે. 


ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસે
જ્યારે લોકોની પાસે ટેક્નોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠાસુઝના આધારે કરતા હતા. આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મુકવાની સાથે વરસાદના વર્તારાનો પ્રથા જીવંત છે. ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે તેવી માન્યતા છે. એટલું જ નહીં, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.