ગુજરાત :અલ્પેશ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ આપી શકે છે તેવી ચર્ચાઓ ગુજરાતના રાજકારણમાં દરેક કાને પહોંચી ગઈ છે. ત્યારે પીએમ મોદીના આગમનના દિવસે જ કોંગ્રેસ તૂટી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અુસાર, ઓપરેશન અલ્પેશ ઠાકોર રાધનપુરમાં ઘડાયું હતું. કહેવાય છે કે, ઉ.ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ આ ખેલ પાડ્યો હતો. તો 2019ની ચૂંટણીમાં તોડજોડનું રાજકારણ ચરણસીમાએ પહોંચેલું જોવા મળ્યું છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે એક સાંધો ત્યાં તેર તૂટવા જેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. હાલ, તોડજોડના રાજકારણમાં અલ્પેશ ઠાકોર સૌથી મોટું ઉદાહરણ છે, પણ છેલ્લા કેટલાક કલાકોમાં અનેકોએ પક્ષપલટો કર્યા છે. જેમાં ભાજપ કોંગ્રેસના ગઢના અનેક કાંગરા ખરવામાં સફળ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા


  •  મહેસાણા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકીય તેમજ સામાજિક આગેવાન કિરીટ પટેલ ભાજપમાં જોડાવાના છે. કિરીટ પટેલ ગુજરાત પ્રદેશ સરદાર પટેલ યુવા 72 સમાજનાં પ્રમુખ પણ છે કિરીટ પટેલ સાથે 8 થી 10 હજાર કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે. 12 એપ્રિલે બહુચરાજીમાં યોજાનાર બીજેપીની સભામાં કેસરીયો ધારણ કરશે. કિરીટ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સાથે પણ જોડાયેલા છે.

  •  પાટણ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે તેમના ટેકેદારો સાથે કેસરીયો ધારણ કર્યો. કોંગ્રેસની સતત અવગણના અને સ્થાનિક ઉમેદવાર મૂકવાની માગ પૂરી ન થતાં તેઓ નારાજ હતાં. પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયાં.

  •  પાટણ લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનાં પાટણ જિલ્લાનાં ઉપપ્રમુખ વદાજી ઠાકોરે કેસરીયો ધારણ કર્યો છે. ભાજપનાં પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના હાથે કેસરીયો ધારણ કર્યો. ત્યારે પાટણ જિલ્લા ઉપપ્રમુખ ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભંગાણનાં એંધાણ સર્જાયા છે.

  • મહેસાણા લોકસભામાં આપના ઉમેદવાર રાજેશ પટેલ ફોર્મ પાછું ખેચ્યા બાદ ભાજપમાં જોડાવાના છે. બહુચરાજીમાં યોજાવનારી ભાજપની સભામાં રાજેશ પટેલ ધારણ કેસરિયો ધારણ કરશે. તો મહત્વનું છે કે રાજેશ પટેલ આમ આદમીના ગુજરાતના મહામંત્રી છે.

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલનાં ગઢ એવા વડોદરાનાં ડભોઇમાં ગાબડું પડ્યું. કોંગ્રેસનાં 7 અને અપક્ષનાં ત્રણ નગરપાલિકાનાં કોર્પોરેટર ભાજપમાં જોડાયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે તેમણે ભાજપનો ખેસ પહેર્યો.


ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા
મંત્રી ગણપત વસાવાના ગઢમાં ગાબડું પડ્યું. માગરોળ વાંકલનાં ભાજપનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા તેમજ લવેટ ગામનાં 30 યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.


આમ, એડીચોટીનું જોર લગાવીને ભાજપ કોંગ્રેસના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યું છે. જેની સીધી અસર ચૂંટણી પ્રચારમાં જોવા મળી શકે છે. હાલ કાર્યકર્તાઓ જ્યારે ચૂંટણી પ્રચાર કરીને પોતાના પક્ષના ઉમેદવારને જીતવામાં લાગી ગયા છે, ત્યારે તોડજોડનું રાજકારણ અપનાવીને કાર્યકર્તાઓને પોતાના તરફ ખેંચવામાં આવી રહ્યાં છે.