Happy Birthday CR Paatil : ગુજરાત ભાજપનાં અધ્યક્ષ સી. આર પાટીલનો આજે 68મો જન્મદિવસ છે. પ્રદેશ ભાજપની કમાન સંભાળ્યા બાદ છેલ્લા અઢી વર્ષમાં પાટીલ ભાજપના ચાણક્ય તરીકે ઉભર્યા છે. વ્યુહરચનામાં તેમનો કોઈ જવાબ નથી. ચૂંટણી સમયે કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો ઉમેરો કરીને ઐતિહાસિક જીત મેળવવામાં તેમણે એક રેકોર્ડ સર્જયો છે. માઈક્રો મેનેજમેન્ટમાં પાટીલ મોટા વિશ્લેષકોને પણ મ્હાત આપે છે. ત્યારે કેવી છે પાટીલની વ્યુહરચનાઓ અને કેવી રીતે ભાજપને તેનો ફાયદો મળ્યો છે, જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના આ શબ્દો ત્રીજી ડિસેમ્બર 2022ના દિવસના છે. જ્યારે વિધાસનભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન હજુ બાકી હતું. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું હતું, પણ પાટીલે પાંચ દિવસ પહેલાં જ ઐતિહાસિક પરિણામોની જાણે ભવિષ્યવાણી કરી દીધી. પાટીલે જે રેકોર્ડનો ઉલ્લેખ કર્યો હતો, પરિણામ તે મુજબ જ આવ્યું. રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા રહી ગયા. કોઈ વ્યક્તિ ચૂંટણીના પરિણામો અંગે આટલી સચોટ કેવી રીતે હોઈ શકે. પાટીલે જે કહ્યું, તે કરી દેખાડ્યું. 


પાટીલે જે રેકોર્ડની વાત કરી હતી, તેના પર નજર કરીએ તો, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.05 ટકા વોટ મળ્યા હતા, જે 2022 માં વધીને 52.50 ટકા થયો છે. 2017માં ભાજપને 115 બેઠકો મળી હતી, જે 2022માં વધીને 156 થઈ. આ રેકોર્ડ પરિણામો દેખાડે છે કે પાટીલ હવે જીતનો પર્યાય બની ચૂક્યા છે. 


2021ની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની હતી, તે પહેલા 20 જુલાઈ 2020ના રોજ પાટીલને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી. આ સાથે જ પાટીલ એક્શનમાં આવ્યા અને ભાજપ માટે ચાણક્ય તરીકે કામ કર્યું. તેમની વ્યુહરચનાથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ જીત હાંસલને વિરોધીઓનાં સૂપડા સાફ કરી દીધા. આ ચૂંટણીઓમાં ભાજપને 90 ટકા જેટલી બઠકો મળી, જે પોતાનામાં એક વિક્રમ જ હતો. 


પાટીલ એવા ઘણા નિર્ણયો લીધા, જેનાથી ભાજપમાં કામ કરવાની એક નવી પેટર્ન ઉભી થઈ. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ, પેજ સમિતિ અને સહકાર ક્ષેત્રમાં પાર્ટીના મેન્ડેટની તેમણે શરૂઆત કરાવી. 


વ્યુહરચનાકાર તરીક પાટીલની સૌથી મોટી ખાસિયત તેમનું માઈક્રો મેનેજમેન્ટ છે. બૂથ લેવલનાં કાર્યકર સુધી સીધું જોડાણ કરીને તેઓ સીધા જ મતદાર પર ફોકસ કરે છે. આ માટે તેમણે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં તેઓ દરેક જીલ્લામાં એક દિવસ રોકાતા, આખો દિવસ તેઓ પક્ષનાં કાર્યકરો અને હોદ્દેદારો સાથે રહીને તેમની રજૂઆતો અને ફરિયાદો સાંભળતા. સામાન્ય કાર્યકરને મહત્વ આપીને તેમણે પાયાનાં સ્તરેથી પક્ષને મજબૂત બનાવ્યો.  


પેજ કમિટીના નિર્માણને પાટીલનાં માઈક્રોમેનેજમેન્ટનો સાર કહી શકાય. આ જ રણનીતિથી ભાજપ ગુજરાતમાં ઈતિહાસ સર્જી શકી છે. આ રણનીતિ હેઠળ દરેક પેજ પ્રમુખને ઓળખપત્ર આપવામાં આવ્યા. પાટીલ પોતાની ચૂંટણી સભાઓમાં સ્ટેજ પરથી પેજ પ્રમુખોનો વારંવાર ઉલ્લેખ કરતા. જેનાં કારણે કાર્યકરોને પોતાનું મહત્ત્વ સમજાયું. એક પેજ પ્રમુખને 30 મતદારોને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. 80 લાખ જેટલા પેજ પ્રમુખોએ 2 કરોડ 40 લાખ  મતદારો સુધી સીધા પહોંચ્યા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1 કરોડ 67 લાખ મત મળ્યા છે. એટલે કે ભાજપે જે મતદારો પર ફોકસ કર્યું હતું તેમાંથી 70 ટકા વોટ મેળવ્યા. જેની પાછળ પેજ પ્રમુખોનો સિંહફાળો છે. આ જ કારણ છે કે પોતાના ભાષણોમાં પાટીલ કાર્યકરોને સાચવવા અવારનવાર પક્ષના નેતાઓ અને ધારાસભ્યોને ટકોર કરતા. 


પાટીલ ટેક્નોલોજીનાં ઉપયોગનું મહત્વ બરાબર સમજતાં હતા. આ જ કારણ છે કે તેમણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમને હાઇટેક બનાવ્યું. કાર્યકરો અને નેતાઓને સોશિયલ મીડિયા પર વધુ ભાર આપવા કહ્યું. તેઓ નેતાઓ અને કાર્યકરોના પર્ફોમન્સને સોશિયલ મીડિયાથી નક્કી કરતા. ડેટા ઍનાલિસિસ અને પ્રચાર પ્રસાર માટે પણ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો. કેન્દ્ર સરકારની કામગીરીનો પ્રચાર પણ તેમણે કાર્યકરો દ્વારા જ કરાવ્યો.


ટિકિટોની વહેંચણીમાં પણ પાટીલે નવી વ્યુહરચના અપનાવીને એક નવી કેડરને મહત્વ આપ્યું. નો રીપિટની થિયરીથી પાટીલે ઉમેદવારોમાં નવા ચહેરાઓનો સંચાર કર્યો. ત્રણથી વધુ વખત ચુંટણી લડેલા ઉમેદવારોને ટીકીટ ના આપી. હોદ્દેદારોની નિમણૂંકમાં પણ પાટીલે સ્થાનિક ફેક્ટરને મહત્વ આપ્યું. હવે પાટીલની નજર 2024 પર છે.