અમદાવાદ :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) નો આજે 58 મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈમાં થયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી. તેમના લાંબા અને સ્વાસ્થયભર્યાં જીવનની કામના કરી. પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે, અમિત શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૃહમંત્રીના રૂપમાં તેઓ આપણા દેશની પ્રગતિ માટે સતત પ્રયાસ કરે છે. તેઓ દેશના અર્થતંત્ર માટે મહત્વના એવા સહકારી ક્ષેત્રના સુધાર માટે સરાહનીય કામગીરી કરી રહ્યાં છે. તેઓ આપણા રાષ્ટ્રની સેવામાં લાંબું અને સ્વસ્થ જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહના રાજકીય કરિયર પર એક નજર કરીએ તો, અમિત શાહે અમદાવાદથી પોતાનો શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી બાયોકેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. કોલેજના દિવસોથી જ વર્ષ 1983મા અમિત શાહ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા. અહીં તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન જ રાજનીતિની શરૂઆત થઈ હતી. અમિત શાહ બહુ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં પણ જોડાઈ ગયા હતા. 


અડવાણી-બાજપેયી માટે કર્યો હતો ચૂંટણી પ્રચાર
સંઘ બાદ અમિત શાહ વર્ષ 1986માં બીજેપીમાં સામેલ થયા હતા. જોકે, તેઓ ચર્ચામાં વર્ષ 1991માં આવ્યા હતા. તેઓએ લાલકૃષ્ણ અડવાણી માટે ગાંધીનગર સંસદીય સીટ પર ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. તેના બાદ વર્ષ 1996માં તેઓએ ગાંધીનગર સીટ પર અટલ બિહારી વાજપેયી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમિત શાહ પહેલીવાર વર્ષ 1991માં ગુજરાતની સરખેજ વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હત અને જીત્યા હતા. તેના બાદ તેઓ સતત ચારવાર જીત નોંધાવીને વિધાનસભા પહોંચ્યા હતા. 


ક્યારેય ચૂંટણી હાર્યા નથી શાહ
અમિત શાહ પોતાની રાજનીતિક કરિયરમાં ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 1997માં ચૂંટણીમાં જીત બાદ અમિત શાહે સરખેજ સીટથી 1998, 2002 અને 2007 માં જીત દર્શાવી હતી. 2012 માં ઈલેક્શનમાં અમિત શાહે પોતાની સીટ બદલી હતી અને નારણપુરા વિધાનસભા સીટથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. તેના બાદ અમિત શાહે વર્ષ 2019માં થયેલ ચૂંટણીમાં જીત મેળવી હતી. 


યુપીમાં બીજેપીને અપાવી 71 સીટ
12 જૂન 2013 ના રોજ અમિત શાહે બીજેપીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા હતા અને તેઓએ પાર્ટીને 71 સીટ પર જીત અપાવી હતી. આ પહેલાના ઈલેક્શનમાં બીજેપીએ ઉત્તર પ્રદેશની 80 માંથી માત્ર 10 સીટ પર જીત મેળવી હતી. આ જીત બાદ બીજેપીમાં અમિત શાહનું કદ વધી ગયું હતુ અને તેઓને જુલાઈ 2014માં પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 


2019માં યુપી અને બંગાળમાં મોટી સફળતા
વર્ષ 2019માં ઈલેક્શનમાં અમિત શાહે બીજેપીના અધ્યક્ષ રહેતા પાર્ટીને ફરી એકવાર બહુમતના આંકડા સુધી પહોંચાડી હતી. બીજેપીને સૌથી મોટી સફળતા યુપી અને બંગાળમાં મળી હતી. યુપીમાં સપા, બસપા અને રાલોદના મહાગઠબંધન છતાં બીજેપીએ 64 સીટ મેળવી હતી. જ્યારે કે બંગાળની પાર્ટીમાં 18 સીટ જીતવામાં સફળતા મેળવી હતી. 


ગાંધીનગરમાં ચૂંટણી જીતીને બન્યા ગૃહમંત્રી
2019ના લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર સીટથી ઈલેક્શન લડ્યું અને જીત મેળવી. તેના બાદ પીએમ મોદીએ તેમના બીજા કાર્યકાળમાં પોતાની સરકારમાં તેમને ભાગીદાર બનાવ્યા અને ગૃહમંત્રી જવાબદારી આપી. 


ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વલસાડની મુલાકાતે છે. વલસાડમાં અમિત શાહ દક્ષિણ ગુજરાતના ભાજપ સંગઠન સાથે બેઠક કરશે. આવનારી ચૂંટણી અંગે જિલ્લાની પાંચ બેઠક અંગે પણ અમિત શાહ ચર્ચા કરશે. અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ રહેશે ઉપસ્થિત..વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પીએમ મોદી અને અમિત શાહના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યાં છે. વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી લક્ષી કામગીરીની ચર્ચા થઈ રહી છે.