ભુજ : ગુજરાતના સુંદર શહેરોમાંથી એક એવી ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલી કચ્છની રાજધાની ભુજનો આજે 470મો જન્મદિન ઉજવવામાં આવશે. ભુજિયા ડુંગરની સાક્ષીએ અહીં અનેક ઇતિહાસ રચાયા છે, ગાથાઓ ગવાઇ છે તેમજ સતત પરિવર્તનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ભુજનો જન્મદિવસ પરંપરાગત ખીલીપૂજન પૂરતો સીમિત થઇ જાય તે પહેલાં શહેરીજનો પોતાનો જ પ્રસંગ સમજે તે પણ જરૂરી છે. ભુજ શહેરમાં વિકાસની સાથે સાથે ઘણી બધી ખૂટતી કડીઓ પણ છે, જેની પૂર્ણતા થાય તો શહેરની ઓળખને ચાર ચાંદ લાગી જાય તેમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજના સ્થાપના દિન નિમિત્તે આજે સવારે નગરપતિના હસ્તે ખીલીનું પૂજન કરવામાં આવશે. ભુજનાં 470મા સ્થાપના દિને પાંચ નાકા અને છઠ્ઠી બારી ઉપરાંત ચારેય રિલોકેશનોમાં આસોપાલવનાં તોરણો બાંધવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓની પ્રતિમાઓને હારારોપણ કરાશે.


બાળકો માટે શહેરનો ઐતિહાસિક કિલ્લો દોરવાની સ્પર્ધા યોજાશે. ભુજની બર્થ ડે કેક કાપીને બાળકોમાં વહેંચવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ નગરપતિ રસિકભાઇ ઠક્કરની સ્મૃતિમાં તેમના પુત્ર ઘનશ્યામ ઠક્કર દ્વારા બાળકોને ભુજ દર્શન કરાવાશે.