હિતાર્થ પટેલ/ડાંગ: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી પુર્ણેશ મોદીના હસ્તે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરાવવામાં આવી છે, જેને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. એક માસ માટે પ્રવાસીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોન્સૂન ફેસ્ટિવલનું મેઘમલ્હાર નામ અપાયું
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરી હતી. આ ફેસ્ટિવલનું આજે પણ એટલા જ ઉત્સાહથી આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2022માં આયોજિત મોન્સૂન ફેસ્ટીલવને મેઘમલ્હાર પર્વનું નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. 



ભીના ભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનુ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે, સહ્યાદ્રિની આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની વાદીઓથી જરા પણ ઉતરતી ભાસતી નથી, તેમ સાપુતારાની સુંદરતાનુ વર્ણન કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ 'મેઘ મલ્હાર પર્વ 2022' ના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતુ. એક માસ સુધી ચાલનારા આ પર્વનું ઉદ્ઘાટન સ્વાગત સર્કલ ખાતેથી એક પરેડ રૂપે કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગી નૃત્ય, પંજાબી નૃત્ય, રાજસ્થાની નૃત્ય સાથે સિદ્દી કલાકારોએ લોકોનું મનોરંજન કર્યું હતું. 


વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
ફેસ્ટિવલના ઉદ્ઘાટન સાથે સાપુતારા મહાનુભાવો એ જે પ્રકલ્પનુ પ્રજાર્પણ કર્યું. તેમા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર, એડ્વેંચર પાર્ક, બોટિંગ જેટ્ટી એરિયા ડેવલપમેન્ટ, અને ફ્લોટિંગ જેટ્ટી હયાત લેકની ફરતે કેનોપીઝ, મોલ રોડના વિકાસની કામગીરી, મહાદેવ મંદિર પાસે પાર્કિંગ, માઇનોર બ્રીજ્સ, દુકાનો, ટીસીજીએલ શોપ્સનુ રિનોવેશન વિગેરેનો સમાવેશ થાય છે.



ડાંગી ફૂડ કોર્ટ
આ વર્ષે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં ખાસ ડાંગી ફૂડ કોર્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડાંગ જિલ્લાની પ્રખ્યાત નાગલી ધાન્યમાંથી નાગલી લાઈવ ઢોકળા, નાગલી ઇડલી, નાગલી પાપડ, શક્તિવર્ધક મુશળીના ભજીયા, અડદની દાળ, તેમજ વિવિધ વાનગીઓનો રસથાળ પીરસવામાં આવશે. 


કોરોનાકાળના 2 વર્ષ બાદ ફરી એકવાર મોન્સૂન ફેસ્ટિવલના આયોજનને લઈને પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાપુતારા બોટિંગ કલબના પટાંગણમા યોજાયેલા 'મેઘ મલ્હાર પર્વ' ઉદ્ઘાટન સમારોહમાં ડાંગ જીલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત, ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ કલેકટર ભાવિન પંડ્યા સહિત અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube