અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના સંક્રમણના કારણે રાજ્યભરમાં જાહેર આવેલા લોકડાઉનના લીધે છેલ્લા પાંચ મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર ખોલવાના મામલે આજે નિર્ણય લેવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર આગામી શનિવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળે તેવી શક્યતાઓ જણાઇ રહી છે. આજે બપોરે કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટ અને આર્મીના અધિકારીઓ વચ્ચે મંદિરમાં ભક્તોને પ્રવેશને લઇને મીટીંગ યોજાવવાની છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારમાં મંદિર હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થઇ રહ્યો છે. જોકે ચેરીટી કમિશ્નર મંદિર ખોલવાનો આદેશ આપી ચૂક્યા છે. મંદિર કેમ્પસમાં એક જ સમયે માત્ર 200 લોકોને પ્રવેશ આપવામાં આવે તેવી રજુઆત પણ થઈ હતી જેમાં ટ્રસ્ટીઓ તરફથી અને આર્મી તરફથી સહમતિ મળી ગઈ છે જે બાબતે આર્મીના કેન્દ્રમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પરમિશનની રાહ જોવાઇ રહી છે. પરંતુ મંદિરના પૂજારીઓ અને ટ્રસ્ટ્રીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. 


મંદિર ટ્રસ્ટ તરફથી કોરોનાના ગાઈડલાઈનના પાલન માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ વગેરે કરી દેવામાં આવ્યું છે. થર્મલ ગનથી ચેકિંગ અને સેનેટાઈઝ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં દર્શન શરૂ થશે ત્યારથી ગાઈડલાઈન મુજબ મંદિરમાં બેસી કોઈ પાઠ નહિ કરી શકે માત્ર દર્શન જ કરી શકશે. 


એકસાથે કેમ્પસમાં 200 ભક્તો દર્શન કરી શકે અને તેમાંથી જેમ બહાર જતા જાય તેમ બીજા ભક્તોને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી શકે છે. મંદિરની બહાર પણ ભક્તોની ભીડ ન થાય તેના માટે પોલીસની મદદ લેવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરી શકે તેના માટે મંદિર તરફથી પૂરતી તૈયારીઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube