કિંજલ મિશ્રા/ગૌરવ પટેલ : રાજનિતિ એ અનિશ્વિતતાઓનો ખેલ છે. અહી કાઇ પણ કાયમી હોતુ નથી.  ના દોસ્તી ના દુશ્મની. રાજકારણના શતરંજમા સત્તાના સોગઠા ગોઠવવા અનેક નુસ્ખા આજમાવવામા આવતા હોય છે. અહીં માત્ર પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવાનો ખેલ ચાલતો રહે છે. આ માટે પક્ષ પલટો કરતા નેતાઓની પણ ભરમાર છે. તો પોતાના પક્ષને મજબૂત કરવા વિરોધી પાર્ટીમાંથી પોતાના પક્ષમા નેતાઓનો સમાવેશ કર્યા હોવાના પણ કિસ્સા જોવા મળ્યા છે. આ જ તડજોડની રાજનિતીને કારણે અનેક નુકશાન અને ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણ મા પક્ષપલટો એ  એક સામાન્ય બાબત બની ગઇ છે. એમા પણ ચૂંટણી સમયે તોડજોડની રાજનિતી તમામ પક્ષમાં જોવા મળતી હોય છે. જસદણમા પેટા ચૂંટણીએ જોર પકડ્યુ છે. જોકે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના જિલ્લા પંચાયતના 6 સભ્યો, 8 તાલુકા પંચાયતના સભ્યો તથા 70 ગામના સરપંચો ભાજપના જોડાયા હતા. તો ગત  સપ્તાહ ભાજપ જસદણ જિલ્લાના આઇટી અને સોશિયલ મીડીયાની ટીમ તથા સ્થાનિક 150 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે ચૂંટણી સમયે રાજકારણમાં આ પ્રકારે ઉથલ પાથલ થતી જ રહે છે.
 
આ નેતાઓ ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસમા જોડાયા


  • શંકર સિહ વાધેલા

  • લાલજી મેર

  • રણછોડ મેર

  • ધીરુભાઇ ગજેરા

  • રમીલા બેન દેસાઇ 

  • બેચર ભાઇ ભાદાણી

  • બાવકુ ઉધાડ


શંકરસિહ વાધેલા : 


ગુજરાત રાજનિતીમાં જો નોંધનીય રાજકીય ઉથલપાથલના કિસ્સાઓમા શંકર સિહ વાઘેલાનું નામ મોખરે છે. મૂળ સંઘી ભાજપ ગોત્રના એક સમયના દિગ્ગજ નેતા શંકરસિહ વાધેલાએ ભાજપ સામે બાગી સુર અપનાવ્યા હતા. ટૂંક સમય માટે તેમણે પોતાનો નવો પક્ષ રાજપા પણ શરૂ કર્યો. જો કે બાદમાં તેઓ કોંગ્રેસમાં ભળી ગયા. વર્ષો સુધી કોંગેસ સાથે જોડાયેલા રહ્યા. જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલા તેમણે કોંગેસથી પણ છેડો ફડી લીધો હતો.


લાલજી મેર :
લાલજી મેર ધંધુકાના પૂર્વ ઘારાસભ્ય છે. જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જો કે ગત વિધાન સભાની ચૂંટણીમા ટીકિટ ના મળતા ભાજપથી નારાજ હતા અને ગત સપ્તાહ ફરી એક વાર કોંગ્રેસના હાથ સાથે સાથ મિલાવ્યો છે. 
 
ધીરુભાઇ ગજેરા :
મૂળ ભાજપ ગોત્રના નેતા તથા પૂર્વ ધારાસભ્ચ ધીરુભાઇ ગજેરા 2007મા કોંગેસમાં જોડાયા હતા. જોકે કોંગ્રેસ દ્વારા તેમને ધારાસભ્ય તરીકેની ટીકીટ આપવામા આવી, પરંતુ તેઓ જીત્યા ન હતા. ટૂંક સમય પહેલા તેમણે પણ કોંગેસથી  છેડો ફાડ્યો છે. ભાજપ સાથે જોડાવવાની તૈયારી ચાલી રહી છે.


રમીલાબેન દેસાઇ :
2007માં ભાજપ સાથે છેડો ફાડી તેઓ કોંગ્રેસમા જોડાયા હતા, ત્યારે તેઓ ધારાસભ્ચ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા. કોંગ્રેસ દ્વારા પણ તેમને ટીકિટ આપવામાં આવી હતી. જોકે ક્યારેય તેમની જીત થઇ ન હતી. એપ્રિલ 2018મા ફરી તેમની ઘર વાપસી થઇ છે.


બેચરભાઇ ભાદાણી 
કેશુ ભાઇ પટેલ સરકારમાં તેઓ કૃષિ મત્રી હતા. સમય સાથે ભાજપ સામેની નારાજગી વધતા તેઓ કોંગ્રસમાં જોડાયા હતા. જો કે હાલમાં તેઓ રાજકીય રીતે નિષ્ક્રીય છે. 


બાવકુ ઉધાડ :
મૂળ ભાજપ ગોત્રના બાવકુ ઉધાડને 2007માં વિધાન સભાની ટીકીટ ના અપાતા નારાજ થઇ તેઓ કોંગેસમા જોડાયા અને ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા. જોકે 2014માં બાવકુ ઉધાડની ભાજપમા ઘર વાપસી થઇ ગઇ હતી.  


સમયાંતરે ભાજપમાંથી નારાજ નેતાઓ કોંગ્રેસને એક વિકલ્પ તરીકે જોતા હોય છે અન જોડાતા હોય છે. જો કે મોટાભાગના કિસ્સાઓમાં ઘર વાપસી થતી જોવા મળી છે.  


તડજોડના સમીકરણનો મોટા ભાગે ફાયદો સત્તાધીશ પાર્ટીને વધારે થતો હોય છે. જોડતોડની નિતી માટે ભાજપ પર સતત વિપક્ષ દ્વારા અવારનવાર આક્ષેપો પણ થયા છે. જોકે ભાજપ હંમેશા એક કાંકરે બે પક્ષી મારવા ટેવાયેલુ છે. ત્યારે વિવિધ સમયાંતરે કોંગ્રેસમાંથી એવા નેતાઓને ભાજપમાં લેવામા આવ્યા જેમની જનમાનસમાં પોતાની પકડ હોય. સાથે જ વિપક્ષમાં તેમના રહેવાથી ભાજપને સતત હારનો સામનો કરવો પડતો હોય કે ટક્કર લેવી પડતી હોય. હાલમાં જ કોંગેસમાંથી ભાજપમા આવેલા કુવરજી બાવળીયા તેમનું ઉત્તમ ઉદાહરણ છે. જો કે ગુજરાતના રાજકારણમા હવે પ્રજાનો મૂડ બદલાયો છે. છેલ્લા કેટલાક સમયથી પક્ષ પટલો કરનાર નેતાઓને જનપ્રતિસાદ મોળો મળ્યો છે. પંરતુ આજે વાત પ્રજાના મૂડની નહિ, પરંતુ નેતાઓના પક્ષ પલટાથી થઇ સંગઠન અને વ્યક્તિગત થઇ રહેલા નફા નુકસાનની છે. એક નજર કરીએ એ નામ પર જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. કોંગેસમાંથી ભાજપમા આવનારાઓનુ લિસ્ટ ખૂબ લાંબુ છે. જો કે કેટલાક નેતાઓને બાદ કરતા બાકીના નેતાઓને કોરાણે મૂકી દેવામા આવ્યા છે. 


કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાઓ


છબિલ  પટેલ, જસા બારડ, વિઠ્ઠલ રાદડીયા, જયેશ રાદડીયા, પ્રભુ વસાવા, દેવજી ફતેપરા, લાલસી વડોદરિયા, નરહરિ અમીન, ગિરિશ પરમાર (મૂળ ભાજપ), જયંતિલાલ પરમાર, આશિષ આમીન, વિજય કેલ્લા, તેજશ્રીબેન પટેલ, રાધવજી પટેલ (જામનગર), હકુભા જાડેજા, ધરમેન્દ્ર સિહ જાડેજા, મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી, પી.આઇ. પટેલ, કરમસી પટેલ, રામસિંહ પરમાર, સી કે રાઉલજી, માનસિંહ ચૌહાણ, છનાભાઇ ચૌધરી, બળવંતસિહ રાજપૂત, કુવરજી બાવળીયા


એ વાતમા પણ કોઇ બે મત નથી કે ભાજપ દ્વારા સતત એવા ચહેરાઓની કોંગ્રેસમાંથી પસંદગી કરવામાં આવી છે, જેમણે કોંગેસમાં રહીને ભાજપને મ્હાત આપી છે અને જેમના ભાજપમાં આગમનથી કોંગેસને મોટી ખોટ પડી છે. છબિલ પટેલના ભાજપ આગમનથી વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના ભાજપના સાંસદ વિનોદ ચાવડાને મોટા માર્જીનથી જીતનો માર્ગ મોકળો થઇ ગયો. તો જસા બારડનો ભાજપનો ખેસ ધારણ કરવાથી આહીર વોટ બેંક મજબૂત બની. તેમણે ભાજપના મંત્રી મંડળના પણ સ્થાન આપવામા આવ્યું હતું. જો કે ગત ચૂટંણીના તેમની હાર થતા હાલ સંગઠનમા સ્થાનિક જવાબદારી સોપવામાં આવી છે. તેવી જ રીતે વિઠ્ઠલ રાદડીયા, જયેશ રાદડીયાના ભાજપના આગમનથી કોંગેસના સહાકારી ક્ષેત્રમા ખૂબ મોટું ગાબડ઼ુ પડ્યુ હતું. સુરેન્દ્ર નગરમા દેવજી ફતેપરાને સાસંદ તરીકે લડાવતા સીટ જીતવામા ખૂબ મોટી સફળતા હાંસલ થઇ હતી. નરહરિ અમીનને પણ ભગવો ધારણ કરાવવાથી યુનિવર્સીર્ટી પોલિટીક્સમા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. જોકે ભાજપમાં આવ્યા બાદ કોઇ મોકાનું સ્થાન હજુ સુધી નરહરિ અમીનને મળ્યુ નથી. તો રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી 13 ધારાસભ્યો ભાજપમા જોડાયા હતા. આ એ વિધાનસભા સીટના ધારાસભ્ય હતા, જે સીટ પહેલા કોંગ્રસ પાસે હતી. વર્ષ  2017 વિધાનસભા ચૂંટણીમા ભાજપે કેટલાક ધારાસભ્યોને ટીકિટ આપી. પરંતુ મોટાભાગે તેમને હારનો જ સામનો કરવો પડ્યો છે.  ત્યારે આ તમામ નેતાઓ ભાજપમાં તો છે, પરંતુ બળવંતસિંહ રાજપૂત સિવાય અન્ય કોઇને મહત્વના હોદ્દો આપવામાં આવ્યો નથી.  કોંગંસમાંથી ભાજપના છેલ્લી જો કોઇ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ હોય તો એ કુંવરજી બાવળીયા છે, જેમણે શુક્રવારે જ જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ત્યારે આ કિસ્સામા તડજોડની રાજનિતી કેટલી કારગત નિવડશે એ ચૂંટણીના પરિણામો જણાવશે.