અમદાવાદના રસ્તા પર ડમ્પરોનો ત્રાસ, જનતાની જિંદગી સાથે રમત કરતી તંત્રની બેદરકારી
અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકના નિયમો નેવે મુકીને ડમ્પરો દોડી રહ્યાં છે. સવારે 9 કલાકથી રાત્રે 11 કલાક સુધી ભારે વાહનોએ શહેરમાં પ્રવેશવાની મનાઈ છે. તેમ છતાં અનેક મોટા વાહનો રોડ પર જોવા મળી રહ્યાં છે.
અમદાવાદઃ મોટાભાગનાં ડમ્પર નિયમોની ઐસીતૈસી કરીને દોડી રહ્યા છે. ઘણી વાર આ ડમ્પર મોતના ડમ્પર સાબિત થઈ ચૂક્યા છે. તેમનાથી સર્જાયેલા અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યાના પણ દાખલા છે. તેમ છતા ટ્રાફિક પોલીસની નજર હેઠળ તમે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ડમ્પર દોડતા જોઈ શકશો. ડમ્પરચાલકોને નિયમો અને મંજૂરીના કક્કાનો ક પણ ખબર નથી.
શહેરમાં સવારે આઠથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંજૂરી સાથે જ અમુક સંજોગોમાં ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરમાં મંજૂરી અપાય છે. જો કે ડમ્પરના માલિકોને નિયમોથી કોઈ ફરક નથી પડતો. રેતી, કપચી, કચરો અને કાટમાળનું વહન કરતા ડમ્પર માટે નિયમોને નેવે મૂકી દેવાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રીએ કર્યું લોન્ચિંગ
ટ્રાફિક પોલીસ નિયમો તોડતા ભાર વાહનો સામે કાર્યવાહી કરાતી હોવાના દાવા કરે છે, જો કે સવાલ એ ઉભો થાય છે કે નિયમો અને કાર્યવાહી છતા ડમ્પરો કેમ રસ્તા પર દોડી રહ્યા છે..કેમ બેફામ દોડતાં ડમ્પરોને અટકાવવામાં નથી આવતા. આ વાત હપ્તાખોરી તરફ પણ નિર્દેશ કરે છે.
ટ્રાફિકના નિયમો તોડતા વાહનચાલકોને મેમો મોકલવા શહેરનાં ઘણા ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી કેમેરા લગાવેલા છે. પણ નવાઈની વાત એ છે કે માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો CCTV કેમેરામાં કેદ નથી થતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube