મોરબી દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત, પાંચ દિવસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ
મોરબીમાં 30 ઓક્ટોબરે સાંજે અચાનક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજીતરફ પાંચ દિવસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
મોરબીઃ મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતાં 135 લોકોના મોત થયા હતા. તો ઘણા લોકોને ઈજા પહોંચી હતી. દુર્ઘટના બાદ તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. પાંચ દિવસ બાદ મોરબીમાં સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે.
પાંચ દિવસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ
મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસ.ડી.આર.એફ. એન.ડી.આર. એફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તથા સર્ચ ઓપરેશન માટે તૈનાત હતી.
આજે કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષદ પટેલને આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ Opinion Poll: ગુજરાતમાં કઈ પાર્ટીને મળશે કેટલી સીટ? ઝી 24 કલાકનો સૌથી મોટો સર્વે
તેમણે જણાવ્યું હતું કે સતત પાંચ દિવસ સુધી તમામ ટીમો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેમેરા, ડીપ ડાઈવર તેમજ સોનાર જેવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. બચાવ કામગીરીમાં તૈનાત તમામ દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા પરથી હવે આ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવો જરૂરી જણાતાં આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube