બનાસ નદીના વહેણમાં 8 લોકો તણાયા, તંત્રનું જાહેનામુ છતા લોકો બેપરવાહ
Banaskantha News : બનાસ નદીમાં ડીસામાં 3 યુવકો ,અમીરગઢમાં એક કિશોર અને કાંકરેજના ઉમરીમાં બે લોકો અને ભીલડીમાં એક આધેડની ડૂબવાની ઘટના બની
બનાસકાંઠા :ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં આ વર્ષે ભારે વરસાદને કારણે અનેક દુર્ઘટના બની છે. બનાસકાંઠામાં વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 8 લોકોના મોત નિપજ્યાં છે. બનાસનદીમાં ગઈકાલે ડીસામાં 3 યુવકો ,અમીરગઢમાં એક કિશોર અને આજે કાંકરેજના ઉમરીમાં બે લોકો અને ભીલડીમાં એક આધેડની ડૂબવાની ઘટના બની છે.
- બનાસકાંઠાની બનાસ નદીમાં ગઇકાલે વધુ બે યુવકો ડૂબ્યા હતા. કાંકરેજના ઉંબરી ગામ પાસે બે યુવકો ડૂબી ગયા. નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.
- ડીસાના છત્રાલા નજીક બનાસ નદીના વહેણમાં આધેડ ડૂબવાની ઘટના બની હતી. આધેડ છત્રાલા ગામના અમરગીરી મફતગીરી ગૌસ્વામી હોવાનું સામે આવ્યું છે.
- 25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુના ડીસા વિસ્તારમાં નદીમાં 3 યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું.. ભારે વરસાદને લઇને નદીમાં પુર આવતા યુવાનો નદી જોવા ગયા હતા આ દરમિયાન નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી.
- થોડા દિવસ પહેલા અમીરગઢમાં બનાસ નદીના ઊંડા પાણીમાં બાળક નહાવા પડ્યો હતો. જે દરમિયાન બાળક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યાં હતા અને ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ હાથ લાગતા અરેરાટી મચી જવા પામી હતી
બનાસ નદીમાં દુર્ઘટના વધી
બનાસ નદીના પટમાં ન જવાનું તંત્રનું જાહેરનામું છતાં લોકોની ભીડ ઉમટી પડી છે. કાંકરેજના ઉબરીમાં બનાસ નદીના પટમાં લોકો ઉમટ્યા. બનાસ નદીમાં પાણી આવવાની શરૂઆત પહેલા જ લોકો ઉમટી પડ્યા છે. જેને કારણે દુર્ઘટના સર્જાઈ રહી છે. તંત્રનું જાહેરનામું છતાં લોકો બેપરવાહ બની રહ્યા છે.