સ્નેહલ પટેલ/ ડાંગ: કુદરતી સૌદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લા તેમજ ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થતાજ લોકો ડાંગ જિલ્લા તેમજ સાપુતારા ખાતે રજાની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. ગુજરાતનું ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ફરવાની કંઈક અલગ જ મજા છે. જે માટે ગુજરાત તેમજ દેશ વિદેશના લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે ચોમાસાની સિઝનની રાહ જોતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતના અનેક શહેરો તેમજ મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણેખૂણેથી લોકો શનિવાર અને રવિવારે રજાની મજા માણવા માટે આવતા હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાજ નદીનાળાઓમાં નવા નીરની આવક થઈ ચૂકી છે. તો રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ઝરણા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ આહલાદક દ્વશ્યને લોકો પોતાના કેમેરા તેમજ મોબાઈલમાં કંડારવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ બોટાનીકલ ગાર્ડન તેમજ ગીરાધોધ ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓને આકર્ષતા હોય છે. અહી પ્રવાસીઓ તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રવાસીઓ સહિત શાળા તેમજ આશ્રમના વિધાર્થીઓને પ્રવાસ અર્થે પણ લાવવામાં આવતા હોય છે.


સાપુતારા ખાતે રવિવારના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉભી થઈ હતી. સાપુતારા ખાતે આવેલ ટેબલ પોઈન્ટ તેમજ સનસેટ પોઇન્ટની સાથે બોટીંગ હાઉસ ખાતે રવિવારના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે ટેબલ પોઈંટ ઉપર ચાલતી રાઈડ્સની પણ પ્રવાસીઓએ મજા માણી હતી. તો સાપુતારા ખાતે ચાલતા રોપ-વેમાં પણ પ્રવાસીઓ એ મનભરીને આનંદ માણ્યો હતો.


સાપુતારામાં પ્રવાસીઓના ઘસારાને કારણે સાપુતારાની તમામ હોટલો હાલ તો હાઉસફુલ થઈ ચુકી છે.ત્યારે ડાંગ જિલ્લામાં હજુ તો પ્રથમ વરસાદ પડતાજ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમય ફુલ ચોમાસુ જામશે ત્યારે તો અહીનો નજારો જોવા લાયક હોય છે. પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકાર પણ સાપુતારા ખાતે અનેક ફેસ્ટીવલોનું આયોજન કરી રહી છે. ડાંગ જિલ્લામાં આવનારા દિવસોમાં કુદરતી સૌદર્યને માણવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળશે તે નક્કી છે.