ફ્લિપકાર્ટ અને વોલમાર્ટનો વેપારીઓ દ્વારા વિરોધ, પીએમને હસ્તક્ષેપ કરવા કરી અપીલ
ઇ-કોમર્સ કંપની ફ્લિપ કાર્ટ અને વોલમાર્ટની થયેલી ડીલના વિરોધમાં તથા એમોઝોન જેની ઇ-કોમર્સ કંપનીના ભારતમાં વધી રહેલા અતિક્રમણના વિરોધમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અમદાવાદ: અખિલ ભારત વેપારી મહામંડળ (CAIT) દ્વારા કરવામાં આવેલા આહવાનના પગલે ગુજરાતના વેપારીઓએ વિદેશી કંપનીઓની વિરૂદ્ધમાં અમદાવાદ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ઇ-કોમર્સ કંપની ફ્લિપ કાર્ટ અને વોલમાર્ટની થયેલી ડીલના વિરોધમાં તથા એમોઝોન જેની ઇ-કોમર્સ કંપનીના ભારતમાં વધી રહેલા અતિક્રમણના વિરોધમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વેપારીઓની માંગ છે કે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી કંપનીઓને ભારતમાં આવતી અટકાવે મહાજન સમુદાયનો દાવો છે કે આ કંપનીઓના અતિક્રમણના લીધે નાના અને મધ્યમ કદના ગુજરાતના અંદાજે ૬ લાખ વેપારીઓએ ભારે અસર થશે અને તેમને મોટુ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે. માત્ર ગુજરાતના જ વેપારીઓને અંદાજે કરોડોનું નુકસાન થશે તેઓ એવો પણ દાવો કરી રહ્યા છે કે રીટેલ વ્યવસાય ગુજરાતમાં ૧૨ થી ૧૫ લાખ લોકોને રોજગાર આપે છે અને મોલ તથા ઇ-માર્કેટથી આ રોજગાર પડી ભાગશે.
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ખેડૂતો રોષે ભરાયા
વેપારીઓનો આક્ષેપ છે કે સરકારે અગાઉથી જ ઇ-કોમર્સ વેબસાઇટે ખુબ છૂટછાટ આપેલી છે જેનાથી ખુબજ ઓછા ભાવથી વસ્તુઓનું વેચાણ ઓનલાઇન થઇ રહ્યું છે. નોંધનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડીયાની વાત કરી રહ્યાં છે પણ વધતા જતા વિદેશી મૂડી રોકાણના પગલે તેમનું મેક ઇન ઇન્ડીયા માત્ર કાગળ પર દેખાય છે.
સંગઠનના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આક્ષેપ કર્યા હતા કે ભૂતકાળમાં સંખ્યાબંધ અગ્રણી ઈ-કોમર્સ કંપનીઓએ તળિયાના ભાવ, ડિસ્કાઉન્ટ જેવી વિવિધ પ્રકારની તરકીબો અને ગેરરિતીઓ આચરીને ઈ-કોમર્સ બજારને ડહોળી નાખ્યું હતું. ખંડેલવાલે દાવો કર્યો હતો કે ઈ -કોમર્સ માટે કોઈ નીતિ જ નથી તેવામાં વોલમાર્ટ જેવી કંપની માટે 2016ની એફડીઆઈ પોલિસી નોંધ- ૩ હેઠળ પ્રવેશ કરવો સરળ બની રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે સીએઆઈટી સંગઠન ભારતના કોમ્પિટિશન કમિશન સમક્ષ આ હસ્તાંતરણ સામે વાંધા દાખલ કરી ચૂક્યું છે અને જરૂર પડયે સોદાને કાયદાની કોર્ટમાં પણ પડકારશે. ખંડેલવાલે આશા વ્યક્ત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નાના બિઝનેસને સુધારવા કરેલી જાહેરાત મુજબ સરકાર હસ્તક્ષેપ કરીને આ સોદા સામે જરૂરી પગલાં લેશે. વોલમાર્ટ -ફ્લિપકાર્ટ સોદો દેશના નાના વેપારીઓને જરૂરથી પ્રભાવિત કરશે. દેશના નાના વેપારીઓ વોલમાર્ટ સામે ટકી નહીં જ શકે.