ચેતજો! ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ શહેરમાં થનાર છે આ કાર્યવાહી, જાણી લેજો, નહીં તો...
લાંબા સમયથી રાજ્યમાં અલગ અલગ શહેરો અને તાલુકાઓમાં ઢોર દ્વારા વાહનચાલકો પર હુમલા અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે અમદાવાદ શહેર પોલીસ પણ સફાળી જાગી છે. અને અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતા અકસ્માત અટકાવવા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામા આવ્યા છે.
લાંબા સમયથી રાજ્યમાં અલગ અલગ શહેરો અને તાલુકાઓમાં ઢોર દ્વારા વાહનચાલકો પર હુમલા અને રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્રને ત્વરીત પગલાં લેવાનો આદેશ કરતા શહેર ભરમા ઢોર પકડતી પાર્ટી રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે.
તેમાં પણ ખાસ કરીને શહેર ટ્રાફિક પોલીસે 26મી ઓગસ્ટથી 10મી સપ્ટેમ્બર સુધી આ જ પ્રકારની કાર્યવાહી કરતી અને જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરી અકસ્માતને આવકારતા વ્યક્તિઓ સામે કેસ કર્યા છે.જેમાં અત્યાર સુધીમાં 116 જેટલા કેસ સમગ્ર અમદાવાદમાં કરવામાં આવ્યા છે. અને સૌથી વધુ કેસ ટ્રાફિક પૂર્વમાં કરાયા છે.
મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને મહેસાણા જિલ્લામાં ગાયે અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. તેવામાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તેવા અવિરત પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આગામી 10મી સપ્ટેમ્બર સુધી જાહેર રોડ પર કે કોઈ પણ રીતે ટ્રાફિકની સમસ્યા સર્જાય અને ગાયો રોડ પર ભેગી થાત તેવા તમામ ઘાસચારાના વેચાણ કર્તાઓ સામે પગલાં લેવામાં આવશે.
અમદાવાદના ઝોન 1 વિભાગમાં એક પણ કેસ આ પ્રકારનો કરવામાં ન આવતા આ વિસ્તારમાં ઘાસચારો જાહેરમાં ખરેખર નથી વેચાતો કે પોલીસને કોઈ ઘાસચારો વેચતા જોવા ન મળ્યુ તે સવાલ ઉભો થયો છે. જોકે તંત્રની કામગીરીથી માલધારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં તંત્રના કડક વલણથી અમદાવાદના વાહચાલકો કેટલા સમયથી ઢોરના ત્રાસથી દૂર રહે છે તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube